વડોદરા : ખાસ પ્રકારના વહીવટને કારણે બદનામ વાડી પોલીસ મથકના પીઆઈ વધુ એકવાર વિવાદમાં સપડાયા છે. મને જાનથી ભમારી નાખવાની ધમકી આપી છે એવું જણાવી ગભરાયેલા એક યુવાને પોલીસ કમિશનરના બંગલાની બહાર જાહેર માર્ગ ઉપર આત્મવિલોપનનો પ્રયાસ કરતાં નાસભાગના દૃશ્યો સર્જાયાં હતાં. એક તબક્કે અલકાપુરી રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસની ટીમોએ એને ઝડપી પાડી ટીંગાટોળી કરી ગોત્રી પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કર્યો હતો.

જાન્યુઆરી માસમાં વાડી વિસ્તારમાં થયેલી મારામારીમાં આકાશ બળવંત ઠાકોર નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આ હુમલો વિસ્તારમાં દારૂનો ધંધો કરનારા બૂટલેગરોએ કરાવ્યો હોવાનો આરોપ આકાશે લગાવ્યો હતો. વાડી પીઆઈ કે.પી.પરમારે દવાખાને આવી ધાકધમકી આપી મને ઈજા થઈ હોવા છતાં દવાખાનામાંથી રજા લેવડાવી હતી અને મારી પાસેથી લખાણ લેવડાવ્યું હતું. બાદમાં મને પોલીસ મથકે લઈ જઈને અસહ્ય ઢોરમાર માર્યો હતો અને તા.રર જાન્યુઆરીએ વાડી પોલીસે મને અદાલતમાં રજૂ કર્યો હતો એ સમયે જજ સમક્ષ મેં મારી ઉપર થયેલા હુમલા અંગે બૂટલેગરો ઉપર કાર્યવાહીની માગ કરતાં જજ દ્વારા મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વાડી પોલીસ બૂટલેગરો સામે કાર્યવાહી કરવા માટે મારી કોઈ ફરિયાદ લેશે, પરંતુ મારી કોઈ ફરિયાદ વાડી પોલીસે લીધી જ ન હતી. આ અંગે વાડી પીઆઈ પરમારને વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ ગલ્લાંતલ્લાં કરી મારી ઉપર હુમલો કરનારા બૂટલેગર ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોવાનું યુવકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. યુવક આકાશે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વાડી પીઆઈની મિલીભગતથી જ આ સમગ્ર વિસ્તારમાં દારૂનો ધંધો ચાલે છે અને બૂટલેગરો બેફામ બન્યા છે. ગઈકાલે યુવક ફરીથી બૂટલેગરો સામે કાર્યવાહી કરવા માટે વાડી પોલીસ મથકે ગયો હતો, ત્યાં એને પીઆઈએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવક છંછેડાયો હતો અને આજે સવારે આત્મવિલોપન કરવા માટે હું પોલીસ કમિશનરના બંગલે જાઉં છું એવો કંટ્રોલ રૂમમાં ફોન કરી અલકાપુરી ખાતે પહોંચ્યો હતો. પોલીસે આ મામલાની ગંભીરતા જાેઈ તાત્કાલિક સયાજીગંજ પોલીસ અને ગોત્રી પોલીસ મથકની ટીમોને મોકલી આત્મવિલોપન કરે એ પહેલાં જ યુવકને ઝડપી પાડી ગોત્રી પોલીસ મથકે લઈ જઈને કાર્યવાહી હાથ ધરી હતી.