વડોદરા : વડોદરા તેમજ આસપાસના અન્ય જિલ્લાઓમાં ગરીબ હિન્દુઓને પ્રલોભનો આપી તેમજ આર્થિક સહાય કરીને મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવવાના કાવત્રા બાદ હવે મકરપુરા વિસ્તારની ખ્રિસ્તીઓની મિશનરીઝ ઓફ ચેરિટિ સંસ્થા દ્વારા તેઓની સંસ્થામાં રખાયેલી બાળકીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાનો કારસો કરાયો હોવાનો ચોંકાનવારો ખુલાસો જિલ્લા કલેકટરે રચેલી કમિટીની તપાસમાં સપાટી પર આવ્યો છે. આ બનાવની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકરપુરા રોડ પર આવેલા મિશનરીઝ ઓફ ચેરિટિ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ગત ઓગસ્ટ માસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્‌સની એક ટીમ તપાસ અર્થે આવી

પહોંચી હતી.

તપાસ દરમિયાન મિશનરીઝમાં રખાયેલી કિશોરીઓનું ધર્મ પરિવર્તન માટે પ્રયાસો કરાયા હોવાની પ્રાથમિક વિગતો તેમજ આ સંસ્થાની કેટલીક શંકાસ્પદ કામગીરી ધ્યાને આવતા આ અંગેનો જિલ્લા કલેકટરને આ સંસ્થામાં તપાસ થવી જાેઈએ તેવો ગુપ્ત રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના પગલે જિલ્લા કલેકટરે જિલ્લા સુરક્ષા અધિકારી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન અને સભ્યોની એક કમિટીની રચના કરી તેને ઉક્ત સંસ્થામાં તપાસ માટે આદેશ આપ્યો હતો. આ કમિટીએ ગત ૧૦મી તારીખે મિશનરીઝ ઓફ ચેરીટીની ઉક્ત સંસ્થામાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કમિટીને આ સંસ્થામાં રહેતી આઠ જેટલી હિન્દુ બાળાઓના નામે ખ્રિસ્તીઓના ધાર્મિક પુસ્તક પૈકી ૮ બાઈબલ ઈશ્યુ કરાયા હોવાની તેમજ કેટલીક કિશોરી-બાળાઓના ગળામાં ખ્રિસ્તી ધર્મના પ્રતિક ક્રોસ પહેરાવેલા નજરે ચડ્યા હતા. આ ઉપરાંત ચાઈલ્ડ લેબરના દરોડા બાદ બાળકોને સંસ્થામાં સોંપ્યા બાદ તે પછીના પણ રેકોર્ડ મળી આવ્યા નહોંતા. આ વિગતોના પગલે સંસ્થામાં હિન્દુ ધર્મની લાગણીઓને આઘાત પહોંચાડવાના હેતુપુર્વક અને દ્વેષપુર્વક ઈરાદાથી ચિલ્ડ્ર હોમ ફોર ગર્લ્સમાં રહેતી બાળકીનો ખ્રિસ્તી ધર્મ અપનાવવા તથા ખ્રિસ્તી ધર્મ પ્રત્યે લલચાવવા માટે ગળામાં ક્રોસ પહેરાવી તેમજ બાળકીઓ ઉપયોગ કરે તે સ્ટોરરૂમના ટેબલ પર બાઈબલ પુસ્તકો મુકી બાળકીઓને બાઈબલ વાંચવા માટે આપી બાળકીઓને ધર્મપરિવર્તન કરવા માટેના પ્રયત્નો થયો હોવાની વિગતો મળી હતી. આ સમગ્ર તપાસના આધારે જિલ્લા કલેકટરના આદેશ બાદ કમિટીના મેમ્બર અને સમાજ સુરક્ષાના અધિકારી મયંક ત્રિવેદી દ્વારા ગઈ કાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના પગલે પોલીસે મિશનરીઝ ઓફ ચેરિટિ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુસ્લીમ બાદ હવે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનના પ્રયાસથી ચકચાર

થોડા સમય પહેલા જ ઉત્તરપ્રદેશના બહુચર્ચિત ધર્માતંરણનો રેલો વડોદરા સુધી આવ્યા બાદ હિન્દુઓને મુસ્લીમ ધર્મમાં પરિવર્તીત કરી તેમજ તેની માટે જંગી નાણાંકિય સહાય કરવાના ગુનામાં પોલીસે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ, ઉંમર ગૈાતમ અને એનઆરઆઈ ફેફડાવાલા વિરુધ્ધ ગુનો નોંધી તે પૈકીના સલાઉદ્દીન અને ઉંમરની ધરપકડ કરી ફેફડાવાલાની ધરપકડ માટે વોરંટ પણ મેળવ્યું છે. મુસ્લીમ ધર્મ બાદ હવે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાના પ્રયાસના ગુનાના પગલે ચકચાર મચી છે અને શહેરના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.

સંસ્થામાં રહેતી પંજાબી યુવતીએ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાની ચર્ચા

મિશનરીઝ ઓફ ચેરિટિ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સંચાલકો સામે ફરિયાદના પગલે આજે મિશનરીઝની મહિલા કર્મચારીઓએ તેઓની સંસ્થામાં કોઈ ધર્મપરિવર્તન કરાયું નથી તેમ જણાવ્યું હતું. જાેકે થોડાક સમય અગાઉ જ તેઓની સંસ્થામાં રહેતી એક પંજાબી યુવતીએ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાની માધ્યમો દ્વારા પુછપરછ થતા તેઓએ જણાવ્યું હતું કે આ યુવતીએ લગ્ન બાદ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. જાેકે માધ્યમોના સવાલોના મારાથી ગુંચવાયેલી મહિલા કર્મચારીઓએ અમારા વકીલ આવી રહ્યા છે અને તે જવાબ આપશે તેમ કહી વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.