29, ડિસેમ્બર 2020
રાજકોટ-
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક દોઢ વર્ષના બાળકને ઓડીકાર ચાલકે કચડી નાખતા તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા-પિતાએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. જાેકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.૧૯)ની અટકાયત કરી લીધી છે. ભક્તિનગર પોલીસે કાર ચાલાક યશનું લાઇસન્સ રદ્દ કરવા રિપોર્ટ કર્યો છે.
ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. આ સમયે ઓડી કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને કચડી નાખ્યો હતો.
બાળકને કચડ્યા બાદ ચાલક કાર ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાયાની જાણ થતા પિતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા. તેમજ આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા માતા-પિતાએ કલ્પાંત કર્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.