ચેન્નાઈ-

કાચા માલના ભાવોમાં વધારાને પગલે હવે વાહનોના ભાવોમાં ટૂંક સમયમાં વધારો થવાના એંધાણ છે. બીજા રાઉન્ડનો આ વધારો વાહન ખરીદનારાઓના ખિસ્સા પર 1 થી 3 ટકાનો વધારાનો બોજ નાંખી શકે છે. સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના અનેક બીજા મટીરીયલ્સના ભાવોમાં થયેલા વધારાને પગલે હવે મહિન્દ્રા, આયશર અને અશોક લેલેન્ડ સહિતની કંપનીઓ પોતાના વાહનોના ભાવોમાં વધારો કરવાનું વિચારી રહી છે. 

આયશર મોટર્સના એમ ડી સિદ્ધાર્થ લાલે કહ્યું હતું કે, અમે સંભવતઃ એપ્રિલમાં ભાવો વધારીશું, કેમ કે, અત્યાર સુધી તો ભારત અને વિદેશમાં અમે લોકોએ અગાઉના અને નવા મટીરીયલનો ઉપયોગ કરીને ચલાવ્યું પણ હવે રો મટીરીયલ્સના ભાવો અમારી ચલાવી લેવાની શક્તિથી બહાર થતા જાય છે. આ કંપનીના ભાવવધારાની અસર તેના ટ્રક જેવા હેવીલોડ વેહિકલ્સ ઉપરાંત રોયલ એનફિલ્ડ મોટરસાયકલની કિંમતો પર પણ થશે. આ કંપનીએ ગયા ઓક્ટોબરમાં અને ત્યારબાદ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભાવવધારો કર્યો હતો. 

મહિન્દ્રા જૂથના રાજેશ જીજુરીકરે કહ્યું હતું કે, રો મટીરીયલ્સના ભાવો જે રીતે વધતા જાય છે એ જોતાં હવે અમે આગામી વર્ષ 2022ની શરૂઆતમાં જ ભાવવધારો કરીશું. ઈન્ડિયન ફોર્જીંગ ઈન્ડસ્ટ્રીના વિકાસ બજાજે કહ્યું હતું કે, ચાલુ વર્ષે સ્ટીલ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રતિ ટન રૂપિયા 7250નો વધારો માંગવામાં આવ્યો હતો, પણ હવે એ માંગ થોડી નરમ પડી છે. છતાં એ સમસ્યા નથી પણ ઓછો સપ્લાય પણ એક સમસ્યા હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 100 ટન ઓર્ડર કરે છે, તો તેમને માંડ 20 થી 30 ટન કાચો માલ મળી રહ્યો છે.