દિલ્હી-

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા જતા કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે ડીજીસીએએ એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ડીજીસીએએ દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્‌સ પરના પ્રતિબંધને ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી લંબાવી દીધો છે.

જારી કરાયેલા નવા પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ વધારવાના ર્નિણયથી કાર્ગો વિમાનોને અસર થશે નહીં. આ સાથે તે ફ્લાઇટ્‌સને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે જેને ડીજીસીએ દ્વારા ખાસ મંજૂરી આપી છે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ૨૩ માર્ચ ૨૦૨૦ માં ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ મે ૨૦૨૦ થી વંદે ભારત અભિયાન અને જુલાઈ ૨૦૨૦ થી પસંદગીના દેશો વચ્ચે દ્વિપક્ષીય “એર બબલ” અંતર્ગત ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ઉડાન ભરી રહી છે.

ભારતે અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિતના ૨૭ દેશો સાથે એર બબલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશો વચ્ચેના આ કરાર હેઠળ, ખાસ આંતરરાષ્ટ્રીય વિમાન તેમના પ્રદેશો વચ્ચે ઉડાન ભરી શકે છે. આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન પર સસ્પેન્શન વધારવાનો ર્નિણય ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરના ભયને ધ્યાનમાં રાખીને આવ્યો છે.