ગાંધીનગર,તા.૨ 

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા સીએનજીનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ અંગે એક ટ્‌વીટ પણ કરી હતી. ડેરીના મેનેજીંગ ડિરેક્ટર કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, આગામી એક સપ્તાહમાં અમારા સીએનજી પંપ પરથી વેચાણ શરુ થઇ જશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે. ડિસાથી આશરે ૧૦ કિલોમીટર દુર અમારા બાયોગેસ પ્લાન્ટની નજીક સીએનજી પંપ બનાવવામાં આવ્યો છે જેથી ગેસની સપ્લાય સરળતાથી થઇ શકે. કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, બનાસકાંઠા જીલ્લાના ૨૫ ગામોમાંથી પશુપાલકો પાસેથી રોજ છાણ ખરીદવામાં આવે છે અને તેના માટે તેઓને કિલો દિઠ રૂ. ૧ ચુકવણું કરાય છે. કલેક્શન માટે એક ખાસ વાહન બનાવવામાં આવ્યું છે જેમાં વજન કાંટો છે. હાલમાં રોજના ૪૦ ટન ગાયનું છાણ એકત્રિત કરવામાં આવે છે. ચૌધરીએ જણાવ્યું કે, ગોબર ગેસનો પ્લાન્ટ બનાવવા અને તેમાંથી સીએનજી ફિલ્ટરેશન માટેની ટેકનોલોજી પર રૂ. ૮ કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે તો બનાસ ડેરીએ આ ખર્ચ કર્યો છે, પરંતુ અમે સરકાર પાસે સબસિડીની માગ કરી છે.