રાજકોટ, દેશભરમાં આજે બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી હડતાળમાં જાેડાયા હતા. અને બેંક કર્મચારીઓ દ્વારા રાજકોટ ખાતે બેન્કોની બહાર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.રાજકોટનાં જ્યુબિલિ નજીક બેંક ઓફ બરોડા કચેરી બહાર ૫૦૦ જેટલા બેંક કર્મચારીઓ એકઠા થયા હતા. અને શરીર પર અલગ-અલગ બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ-અલગ ૨૨ માંગણીઓને લઇને એનપીએસ બંધ કરો તેમજ મોંઘવારી સાથેની જૂની પેન્શન યોજના ફરી શરૂ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે બેંકના મહિલા કર્મચારીઓએ પણ સરકાર વિરોધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરોધી સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. આ અંગે બેંકના આસિસ્ટન્ટ સેક્રેટરી જતીન ધોળકિયા દ્વારા જણાવાયું હતું કે, શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આ હડતાળમાં જાેડાયા છે. જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતની ૨૨ જેટલી વિવિધ માંગોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જાે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચાલી રહેલી બેંક હડતાળને કારણે કરોડોનાં વ્યવહારો અટકી પડતા અર્થતંત્રને મોટું નુકસાન થવાની શક્યતા છે. ત્યારે સરકાર આ મામલે તાત્કાલિક પગલાં લે તે જરૂરી બન્યું છે. બેંક કર્મચારીઓએ માર્ચ માસના અંતમાં હડતાળનું એલાન કર્યુ છે. જેને કારણે લોકોને સૌથી વધુ મુશ્કેલી પડશે. કારણ કે, એક તો માર્ચ માસના અંતને કારણે વેપાર- ઉદ્યોગમાં હિસાબોની પતાવટ ચાલુ હોય છે અને નાણાં ઉપાડવા અને મૂકવાનું ચલણ વધારે રહેતું હોય છે. ત્યારે માર્ચ માસના અંતમાં જ બેંક હડતાળ જાહેર કરતા વેપારીઓમાં અને ખાતાધારકોમાં રોષ ફેલાયો છે.