11, ફેબ્રુઆરી 2021
વડોદરા
ગુજરાતમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરૃ થયે એક વર્ષ થવા આવ્યું છે ત્યારે આ સ્ટેશનમાં માંડ સપ્તાહમાં૨ કે ૩ વાહનો જ ચાર્જિંગ કરાવવા આવે છે. ઇલેક્ટ્રિકલ વાહન તેમાંય ખાસ કરીને ટુ વ્હિલરની સંખ્યા વધુ હોય છે. જ્યારે ફોર વ્હિલરમાં તો માંડ રેવા કાર ચાર્જિંગ કરવા માટે આવતી હોય છે.
શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક સામે આવેલા એચપીસીએલના પંપ ખાતે જ ગત વર્ષે ૨૮મી ફેબ્રુઆરીના રોજ એચપીસીએલના ડિરેક્ટર ( માર્કેટિંગ ) રાકેશ મિશરીના હસ્તે આ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુંકે, દેશના યોગ્ય સ્થળોએ આવા સ્ટેશનો શરૃ કરવામાં આવશે. આ સ્ટેશનો ખાતે ફાસ્ટ ચાર્જિંગ થતું હોય છે.
સૂત્રોએ જણાવ્યું હતુંકે, ગત ફેબ્રુઆરીમાં આ સ્ટેશન શરૃ થયા બાદ માર્ચ માસથી જ લોક ડાઉન જાહેર થયું હતું. જેના પગલે લોકોને હજી ખબર નથીકે, ફાસ્ટ ઇલેક્ટ્રિકલ વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન કારેલીબાગમાં છે. આ ઉપરાંત હજી પણ લોકો પેટ્રોલવાળા જ ટુવ્હિલર ઉપર પસંદગી ઉતારતા હોવાના પગલે ઇલેક્ટ્રિકલ વ્હિકલ – ટુવ્હિલરનું પણ ઓછા પ્રમાણમાં જ વેચાણ થાય છે. બેટરી ધરાવતી ઓટોરિક્ષાઓ પણ હજી જુજ પ્રમાણમાં જ વેચાઇ રહી છે. જેમ જેમ આવા વાહનોનું વેચાણ વધશે તેમ તેમ ચાર્જિંગ સ્ટેશન ખાતે વાહન ચાર્જ કરાવવા વાહન ચાલકો વધુ પ્રમાણમા આવશે.
આ વર્ષે પણ બજેટમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલ ખરીદી ઉપર કોઇ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. જેના પગલે પણ ફોર વ્હિલર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર ખાસ કોઇ પસંદગી જાેવા મળતી નથી.