વડોદરા-

રાજ્યભરમાં આજે વહેલી સવારથી જિલ્લા તાલુકા પંચાયતો તેમજ નગર પાલિકાની ચૂંટણીઓ માટે મતદાન શરુ થઈ ચૂક્યું છે. રાજકોટમાં એક બૂથ પર ઈવીએમ ખોટકાતાં ભારે હોબાળો મચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મહેસાણામાં પણ વોર્ડ નંબર બે માં ઈવીએમ ખોટકાયું હોવાથી આશરે એક કલાક સુધી મતદાન બંધ રહ્યું હતું. નડિયાદમાં પણ વોર્ડ નંબર ૧૨માં ઈવીએમ મશીન બગડતાં મતદાન ખોરવાયું હતું.

એકંદરે શરૂઆતના બે કલાક દરમિયાન આશરે ૨.૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યભરમાં ૩ કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને ૨૩૧ તાલુકા પંચાયત, ૩૧ જિલ્લા પંચાયત તેમજ ૮૧ નગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં ૨૨,૧૭૦ ઉમેદવારોનું ભાવિ સીલ થવાનું છે. દાહોદમાં પહેલા બે કલાકમાં સરેરાશ બે ટકા મતદાન નોંધાયું હતું. શરુઆતના બે કલાકમાં વડોદરામાં સૌથી વધારે ૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બોટાદ અને ગોંડલમાં પણ સાડાચાર ટકાથી વધારે મતદાન નોંધાયું હતું જ્યારે બારડોલીમાંં સાત ટકાથી વધારે મતદાન નોંધાયું હતું.