લોકસત્તા વિશેષ : કોટંબી સ્ટેડીયમની બાજુમાં આવેલી ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવા પાછળ બીસીએ સત્તાધીશોના ઈરાદા ગંભીર હોવાનું સામે આવ્યું છે. બીસીએના આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર આટલી મોટી જમીન ખરીદી બીસીએ સત્તાધીશો પોતાની એક ફૂલ ટાઈમ એકેડમી ઉભી કરવાનું વિચારી રહી છે. એટલેકે વડોદરામાં ચાલતી તમામ ખાનગી એકેડમીને તાળા મારવા માટેનો મોટો કારસો રચાયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. ત્યારે કોટંબી વડોદરાની બહાર એક છેડા પર આવેલું છે ત્યારે શહેરના અન્ય દૂરના વિસ્તારમાંથી ત્યાં બાળકો ક્રિકેટ શીખવા કેવી રીતે જશે તેને લઈને વિવાદ ઉભો થાય તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. બીસીએ સત્તાધીશોના આવા તગલઘી ર્નિણયની ટીકા વચ્ચે એપેક્ષ કમિટિના બહુમતી સભ્યોએ આંગળી ઉંચી કરી મંજુરી આપી દીધી છે. ત્યારે હવે બીસીએના હોદ્દેદારો શું ર્નિણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કોટંબી ખાતે આશરે રૃપિયા ૨૫ કરોડના ખર્ચે નવી ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવા માટે દલાલ રોકવા માટે એપેક્ષ કમિટિના સભ્યોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવી હતી. પરંતુ અગાઉ સસ્તા દરે જમીન ખરીદવા માટે થયેલા સમજૂતી કરારને રદ કર્યા સિવાય ત્રાહિત દલાલ રોકવાની પેરવી પાછળ કોઈ ગંભીર ઈરાદો અને કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ આ વાત છુપાવવામાં આવી રહી હોવાના સ્પષ્ટ તારણ વચ્ચે બીસીએના સત્તાધારી જુથમાં ચાલતી ચર્ચા મુજબ આ નવી જમીન ખરીદી ત્યાં બીસીએની જ ફૂલફ્લેજ એકેડમી શરૃ કરવાનો ઈરાદો છે. એટલેકે બીસીએની એકેડમીના બાળકોને ટીમ સિલેક્શનમાં પ્રાધાન્ય મળે, તેમજ ખાનગી એકેડમી દ્વારા જે વીકએન્ડના દિવસોમાં મેદાન નહીં આપવાની રણનિતિ અપનાવાય છે તેનાથી છૂટકારો મળે તેવા પ્રેઝન્ટેશન સાથે આ કારસો રચાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીસીએના આવા ર્નિણયથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ખાનગી એકેડમીઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ ચર્ચાઈ રહ્યું છે. જાેકે વધુ કિંમત અને દલાલના ગુનાહિત ભૂતકાળ વચ્ચે પણ બીસીએના સત્તાધારી જુથના બહુમતી સભ્યોએ એપેક્ષ કમિટિમાં આંગળી ઉંચી કરી મંજુરી આપી દીધી છે ત્યારે હવે આગળ શું ર્નિણય કરાય છે તેના પર સૌની મિટ મંડાયેલી છે.

એક ખાનગી ક્લબ બનાવવા વિચારણા

કોટંબી ખાતે નવા સ્ટેડીયમની બાજુમાં વધુ ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવાની હિલચાલમાં બીસીએની એકેડમી ઉપરાંત ત્યાં બીસીએની એક ક્લબ અને ક્લબ હાઉસ ઉભું કરવાની પણ વિચારણા ચાલી રહી છે. સ્ટેડીયમમાં ઉઠેલા વિવાદને મેમ્બરો આવતી ચૂંટણીમાં મુદ્દો ન બનાવે તે માટે બીસીએના એક જુથ દ્વારા અત્યારથી મેમ્બરોને ક્લબ હાઉસના નામે ખુશ કરવાનો ખેલ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રમેશ મહારાજ જૂના એમ.ઓ.યુ પ્રમાણે જગ્યા આપવા પણ તૈયાર

વડોદરા, તા.૨૨

બીસીએને જરૂરીયાત પ્રમાણે જમીન આપવા માટે અગાઉ કરવામાં આવેલા એમ.ઓ.યુ. પ્રમાણે રમેશ પટેલ ઉર્ફે મહારાજ તૈયાર છે. આ માટે તેઓએ શુક્રવારે બીસીએને એક પત્ર લખી જાણ કરી છે. ત્યારે રમેશ મહારાજ જાે જુના એમ.ઓ.યુ. પ્રમાણે જમીન આપવા તૈયાર હોય તો પછી બીસીએને વાંધો કેમ છે અને તેઓ શા માટે અન્ય દલાલ રોકી વધુ કિંમત ચુકવવા તૈયાર થયા છે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. લોકસત્તા જનસત્તામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ દોડતા થયેલા રમેશ પટેલ ઉર્ફે મહારાજ દ્વારા શુક્રવારે બીસીએને અક પત્ર લખી કોટંબી ખાતેની બાકીની જમીનો જુના એમ.ઓ.યુ પ્રમાણે આપવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છેકે જુના એમ.ઓ.યુ.માં જમીનની કિંમત પ્રતિ ચોરસ ફૂટે રૃપિયા ૧૦૦થી ૧૨૦ હતી. ત્યારે ઓછી કિંમતે જમીન મળતી હોય તો પણ પ્રતિ ચોરસ ફૂટે રૃપિયા ૨૦૧ ચુકવી જમીન ખરીદવા પાછળનો ઈરાદો શું છે તેને લઈને અનેક શંકા કુશંકાઓ વહેતી થઈ છે.