૧૫ જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન  જગદીશ ઠાકોર
20, મે 2022

રાજકોટ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે ૧૨૦૦ જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, ૧૨૫ પ્લસ બેઠક જીતવાનો આપણો ટાર્ગેટ છે. જેથી ૧૮૨ બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે. જયારે પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,૧૫ જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન થશે આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘૭૫મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ થઈ છે.આજની બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે અને ગુજરાતમાં ૧૨૫ સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.’ જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપરાંત દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં હેમુ ગઢવી હોલમાં મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત ગઈકાલે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસે માગ નહીં સંતોષતા ૯૦થી વધુ પાટીદાર નેતા બેઠકમાં ગેરહાજર

રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા ૨ મહિનાથી પાટીદારો સાથે અન્યાય થતો હોય તેવી વાત સામે આવી હતી. જેની અસર આજની કારોબારી બેઠકમાં વર્તાઈ રહી છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે મળેલી બેઠકમાં ૯૦થી વધુ પાટીદારો ગેરહાજર રહ્યા છે. પાટીદારોની એક જ માંગ છે કે તેમને પક્ષમાં પ્રભુત્વ આપવામાં આવે, આ મુદ્દે અગાઉ પણ પાટીદારો પ્રદેશ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પાટીદારો ગેરહાજર રહ્યા હતા. જેમાં ક્યાંકને ક્યાંક હાર્દિકે આપેલ રાજીનામું પણ કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસની પાટીદાર વિરોધી નીતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં તાજેતરમાં કરવામાં આવેલ પ્રમુખ હોદેદારોની નિમણુંકમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા પણ તેમાં કોઈ પાટીદાર નેતાને સ્થાન આપવામાં નથી આવ્યું. ૨ મહિના પૂર્વે પ્રદેશ કોંગ્રેસે રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની અને જિલ્લામાં અર્જૂન ખાટરિયાની નિયુક્તિ કરાઈ કરી હતી. એ સમયે પણ રાજકોટ શહેર જિલ્લામાં પાટીદારને પ્રમુખ પદ નહી સોંપાતા પાટીદારોમાં રોષની લાગણી છવાઇ હતી. અને કોંગ્રેસ અગ્રણી તથા પાટીદાર આગેવાન મિતુલ દોંગાએ તો પક્ષમાંથી રાજીનામુ આપીને આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution