ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના મોટાભાગના મંત્રીઓએ સત્તાવાર રીતે પોતાને ફાળવેલી ઓફિસમાં જઈને લીધો છે. ત્યારે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાને ફાળવેલી ચેમ્બરમાં ભારત માતાની તસવીરની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને ઓફિસનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. સંઘવી વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત મારા માતા-પિતાને લઈને ગાંધીનગર આવ્યો છું અને ગૃહ રાજ્ય મંત્રી તરીકે મારા માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે.ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે, જે અત્યારે જે તે જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ શુભેચ્છા આપવા માટે ગાંધીનગર આવવું નહીં, પરંતુ હું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને જિલ્લામાં આવીને માહિતીઓ પ્રાપ્ત કરીશ.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્જ લેતા અગાઉ વિજય રૂપાણીના સરકારના તમામ મંત્રીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમના આશીર્વાદ લીધા બાદ હું ઓફિસમાં ચાર્જ લેવા માટે આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મને ગૃહ વિભાગનો ચાર્જ સોંપાયો છે, ત્યારે મારા પુરોગામી એવા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સવા કલાક બેસીને તેમની પાસેથી માર્ગદર્શન અને લેશન લઈને તમામ માહિતીઓ મેળવી હતી ત્યાર બાદ મેં ગૃહ રાજ્ય મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ચાર્જ લેતાની સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ વ્યક્તિએ કે અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલ- ૨ માં શુભેચ્છા માટે બુકે લઈને આવવું નહીં. સાથે તેમણે એવી અપીલ કરી હતી કે, કોઈએ પણ શુભેચ્છા આપવા માટે સમયનો બગાડ કરીને શુભેચ્છા આપવી નહીં, જ્યારે જે લોકો શુભેચ્છા આપવા માંગે છે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપી શકે છે.