રાજકોટમાં લાભાર્થીઓને માત્ર 3.50 લાખમાં 2 BHK ફર્નિચરવાળો ફ્લેટ મળશે
26, ડિસેમ્બર 2020

રાજકોટ-

દેશના દરેક નાગરિકને ઘરનું ઘર મળે તેવા આશયથી કેન્દ્ર સરકારે વિવિધ આવાસ યોજના જેવી એક પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરી છે. તેમા વ્યક્તિગત રીતે મકાન બનાવવા ઇચ્છતા નાગરિકને સરકાર બેંક લોન અપાવવા સહિતની સેવા પૂરી પાડવામાં આવશે. સ્થાનિક સ્તરે કામ મહાનગરપાલિકાઓને સોંપવામાં આવ્યું છે. મહાપાલિકા નાગરિક અને બેંક વચ્ચે મધ્યસ્થી કરીને લોન અપાવશે. રૂ.૩.૫૦ લાખથી રૂ.૬ લાખ સુધીની બેંક લોન અપાવવામાં મહાપાલિકા મદદરૂપ બનશે. ત્યારે ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી મદદથી આવાસ બનાવવા નક્કી કર્યું છે, જેમાં દેશના ૬ શહેરોની પસંદગી કરાઈ છે અને તેમાં ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી કરાઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ કરેલી મહત્વપૂર્ણ જાહેરાતનો ફાયદો હવે રાજકોટને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં ૬ શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરનો સમાવેશ થઈ ગયો છે. જેથી રાજકોટમાં હવે લાભાર્થીઓને ૩.૫૦ લાખમાં ૨ બીએચકેનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા ૧૧૮ કરોડના ખર્ચે ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૧૧૪૪ આવાસ બનાવશે.

રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.૩૨માં ૪૫ મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ૩૧ કરોડ રૂપિયાના જુદા જુદા કામોનુ મુખ્યમંત્રી ૩૧ ડિસેમ્બરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution