નવી દિલ્હી-

સમગ્ર વિશ્વ હજી તો કોરોનાએ મચાવેલા હાહાકારમાંથી બહાર નથી આવી શક્યું ત્યાં એક બીજા પ્રકારના રોગકારક જંતુથી થતા રોગના ડાકલા વાગતાં વૈજ્ઞાનિકો અને સંશોધકોમાં ફફડાટ પેઠો છે. આ રોગકારક ફૂગના જંતુઓને કેન્ડીડા ઓરીસના નામથી ઓળખાય છે અને તે ખૂબ જ ભયંકર હોવાની ચેતવણી ઉચ્ચારાઈ છે.

રોગ નિયંત્રણ અને અટકાયત કેન્દ્રના એક વૈજ્ઞાનિકને ટાંકીને એક પશ્ચિમી અખબારે હેવાલ આપ્યો છે કે, બ્લેક પ્લેગને મળતો આવતો રોગ કરતા આ ફૂગના જીવાણુઓથી હવે પછીની મહામારી ફેલાવાની શક્યતાઓ છે.

વૈજ્ઞાનિકો ચેતવણી ઉચ્ચારે છે કે, કેન્ડિડા ઓરીસ એટલી ઝડપે ફેલાય છે કે, તેનાથી કોરોના જેવી જ ભયંકર મહામારી ફેલાઈ શકે છે. જે પ્રકારના રોગના જંતુઓને કારણે મહામારી ફેલાઈ શકે છે, એવા તમામ લક્ષણો કેન્ડિડા ઓરીસમાં હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે મહામારી ફેલાવી શકે એવા રોગકારક જંતુઓમાં હાજર હોય એવા બધા જ લક્ષણો આ રોગના જંતુઓમાં છે.

યાદ રહે કે, થોડો સમય પહેલા વડોદરા, અમદાવાદ કે સુરત જેવા રાજ્યના અનેક શહેરોમાં ફૂગજન્ય રોગ મ્યુકોર માઈકોસિસે દેખા દીધી હતી. તેનું કારણ કોરોનાની સારવાર દરમિયાન અપાતી પ્રતિકારક શક્તિ પર હુમલો કરતી દવાઓ મનાય છે. પ્રતિકારક શક્તિ ઓછી થતાં ફુગના જંતુઓ બળવાન બની જાય છે અને શરીર પર હુમલો કરે છે. આ રોગમાં વ્યક્તિની સમયસર સારવાર ન કરાય તો વ્યક્તિ મોતને ભેટે છે.