ભૂજ, ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામમાં લોકશાહી બાદ ઈ.સ. ૧૯૫૯ના અમલમાં આવેલા પંચાયતી રાજના વર્ષથી અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ ગામમાં પંચાયતની ચૂંટણી પહેલા જ સરપંચ , ઉપ સરપંચ અને સભ્યોની બિન હરીફ વરણી કરી દેવામાં આવે છે. આ માટે ગામની એકતા અને મૂળભૂત સુવિધાઓ યશભાગી બની રહી છે. આ વર્ષે પણ પંચાયતને ગ્રામજનો દ્વારા બિનહરિફ જાહેર કરી દેવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત ફોર્મ પરત લેવાની તારીખ ૪ ડિસેમ્બર બાદ થશે. ભચાઉ ગાંધીધામ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નવી મોટી ચિરઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા બેઠક મળી હતી. આ સર્વગ્રાહી બેઠકમાં દરેક સમાજના અગ્રણીના સર્વાનુમતે આ વખતે ગામની પંચાયતને બિન હરીફ જાહેર કરવામાં આવી છે. તેમજ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને ઉપ સરપંચ તરીકે નરેન્દ્રસિંહ રઘુભા જાડેજાની વરણી કરવામાં આવી હતી. આ સિવાય અગ્રણીઓ દ્વારા પંચાયતના સભ્યો નીમવામાં આવ્યાં હતા. ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર મૂળ મોટી ચિરઈ ગામથી ૪ કિલોમીટર દૂર ભુકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવી મોટી ચિરઈ ગામ ખાતે મળેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં બન્ને ગામની વાસહતોના તમામ સમાજના મળીને કુલ ૧૬૦૦ જેટલા મતદારો છે. ગામની કુલ વસ્તી અંદાજિત ૩ હજારની આસપાસ છે.