ભુજ-

કચ્છમાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે ભૂર્ગભીય હલન-ચલન પણ સક્રિય બની છે. ભચાઉની ધરા ગત રાત્રિના ૩.૩ની તિવ્રતાના કંપનથી ધ્રુજી હતી તો ર૪ કલાકમાં જિલ્લામાં છ કંપનો નોંધાયા હતા.

કચ્છ જિલ્લામાં તિવ્ર ભૂકંપ આવવાની શક્યતા હાલમાં જ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી. લખપતથી ભચાઉ સુધીની ૧પ૦ કિ.મી. લાંબી ફોલ્ટ લાઈન સક્રિય બની હોવાનું પણ સંશોધનમાં બહાર આવ્યું છે.તે વચ્ચે ભૂર્ગભીય સળવાળટ તેજ બન્યો હોઈ કંપનોનું પ્રમાણ પણ વધ્યું છે. ર૪ કલાકમાં જિલ્લાની ધરા છ વખત ધ્રુજી હતી. સીસ્મોલોજી કચેરી ગાંધીધામથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉથી ર૮ કિ.મી. દૂર ભૂર્ગભમાં ૧૬.૮ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રીક્ટર સ્કેલ પર ૩.૩ની તિવ્રતાનો આંચકો ગત રાત્રિના ૧૦ઃપ૩ કલાકે અનુભવાયો હતો તો આ પૂર્વે ગત સાંજે ભચાઉથી ૧૬ કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ ધરાવતું ર.૧ની તિવ્રતાનું કંપન પણ નોંધાવ્યું હતું. ઉપરાંત ભચાઉ સમીપે જ ૧.૯ની તિવ્રતાના બે કંપન તેમજ ખાવડા નજીક ૧.૮ અને રાપર નજીક ૧.પનો આંચકો નોંધાયો હતો.