આણંદ : આણંદના સાંસદ મિતેશ પટેલે આજે તેમનાં જન્મદિવસે એક એવું કાર્ય કર્યું જે પ્રેરણાદાયી અને સમાજમાં બીજા નેતાઓ માટે ઉદાહરણરૂપ કિસ્સો બની ગયો છે. આણંદના સાંસદે પોતાના જન્મદિવસે સૌથી પહેલાં સગાં વહાલાઓ અને મિત્રોને એકબાજુ છોડીને દત્તક પુત્રીને યાદ કરી હતી.  

આણંદના મંગળપુરા વિસ્તારમાં રહેતી દીકરીને તેમણે થોડાં મહિના પૂર્વે એક કાર્યક્રમ દરમિયાન દત્તક લીધી હતી. આ કાર્યક્રમમાં મિતેષભાઈને એવું જાણવા મળ્યું હતું કે, આ દીકરીને ભણવું છે, પણ આર્થિક રીતે થોડી તકલીફ છે. તેઓએ તાત્કાલિક એવી જાહેરાત કરી હતી કે, આ દીકરીના ભણતરની વ્યવસ્થા હું કરીશ. આજે સવારે બકાભાઈ સૌથી પહેલાં તેને મળવા પહોંચી ગયાં હતાં. તેને ચોપડા સહિતની વસ્તુઓ અર્પણ કરી પોતાના જન્મદિવસને અનોકી રીતે સાર્થક કરી દીધો હતો.

આ વિશે મિતેષભાઈએ જણાવ્યું હતું કે, હું મારી ફરજ પૂરી કરી રહ્યો છું. દીકરી સાથે વાતચીત દરમિયાને તેણે કહ્યું હતું કે, તે ડોક્ટર બનવા માગે છે. ત્યારે પિતાતુલ્ય સ્નેહ સાથે દીકરીના માથે હાથ ફેરવતાં મિતેષભાઈએ કહ્યું હતું કે, તારું સપનું જરૂરથી પૂરું કરજે. સાથે તેઓએ દીકરીને કહ્યું હતું કે, ડોક્ટર બનવું હોય તો અત્યારથી જ અથાગ મહેનત કરજે. મિતેષ પટેલે એવી બાયધરી પણ આપી હતી કે, દીકરીના અભ્યાસમાં જે પણ ખર્ચ થશે તે અંગે તેનાં પરિવારને ચિંતા કરવાની જરૂર નથી. હું તેનાં માટે ચિંતા કરીશ.