આણંદ : આણંદ નગર પાલિકાની આગામી ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાનારી ચૂંટણીમાં યાદી જાહેર થયાં પછી કપાયેલાં નારાજ નેતાઓમાં અંદરખાને રોષ ભભૂકી રહ્યો છે. મોટાભાગના નેતાઓ ખુલ્લંમખુલ્લા બહાર આવી શક્યાં નથી, પણ શહેર ભાજપમાં મહત્ત્વની જવાબદારી જેને સોંપાઈ હતી એ શંકર ગોહેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં આ વાત ચર્ચાના ચકડોળે ચડી છે. આ સાથે જ ઉંમરને લીધે ટિકિટ નહીં મળતાં ભાજપના પૂર્વ કાઉન્સિલર અનવર વહોરાએ પણ બળવો કરી વોર્ડ નં-૬માં ઉમેદવારી ભરતાં આણંદમાં ભાજપમાં ફૂટફાટ શરૂ થઈ ગઈ છે.

ગત ગુરુવારે ભાજપે આણંદ પાલિકાની ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. માત્ર આઠ ઉમેદવારોને રીપિટ કરી ૪૪ નવાં ચહેરાંને ટિકિટ અપાઈ હતી. ત્યારે અચાનક જ શહેર ભાજપમાં મહત્વની જવાબદારી સંભાળનારા શંકર ગોહેલે વોર્ડ નંબર ૯માં અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપમાં બળવાની ચિનગારી ચંપાઇ ગઇ હતી. બીજી આણંદ ભાજપના પૂર્વ કાઉન્સિલર અનવર વોરાએ પણ ઉંમરના નિયમને કારણે ભાજપે ટિકિટ નહીં આપતાં ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે આજે વોર્ડ નં.૬માંથી અપક્ષ ઉમેદવારી નોંધીવીને ખુલમ્‌ખુલ્લાં ભળવો કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ શંકરભાઈ ઉમેદભાઈ ગોહેલે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ચૂંટણી નિરીક્ષક રંજનબેન ભટ્ટ સમક્ષ દાવેદારી કરી હતી. જાેકે, પક્ષ દ્વારા તેઓને ટિકિટ આપવામાં ન આવતાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. આખરે ભાજપ દ્વારા અવગણના કરવામાં આવતાં જ શંકર ગોહેલે બળવાનું રણશિંગુ ફૂંકી દીધું હતું. પોતાના ટેકેદારો સાથે રાખીને વોર્ડ નં-૯માં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં જ ભાજપમાં અફરાંતફરી મચી છે.

આણંદ નગર પાલિકાની આગામી ૨૮ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીએ ચરોતરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ગુરુવારે ભાજપે આણંદ પાલિકાની ૫૨ બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં ૪૪ નવાં ચહેરાંઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્રણ ટર્મ અને ૬૦ વર્ષની ઉંમરના નવાં કાયદાએ પાલિકામાં વહિવટની ધૂરાં સંભાળનારા સિનિયર નેતાઓને બિલકુલ નવરાં કરી દીધાં છે. આણંદ શહેર ભાજપના ઉપપ્રમુખ શંકરભાઇ ગોહેલ છેલ્લા પાંચ વર્ષથી સક્રિય કાર્યકર છે. ત્યારે ભાજપની યાદી જાહેર થઇ હતી. તેમાં તેમનું નામ નહીં આવતાં આખરે શુક્રવારે પોતાના ટેકદારો સાથે વોર્ડનં-૯માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.