ભરૂચ-

ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં નવીનગરીમાં પત્ની પર શંકા રાખીને ૫ વર્ષના બાળક અને ૭ વર્ષની બાળકીની હત્યા અને એક બાળકની હત્યાના પ્રયાસના ગુનામાં ભરૂચ સેસન્સ કોર્ટે પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૫માં બનેલી ઘટનાનો ૫ વર્ષ બાદ આજે ચુકાદો આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

૨૦૧૫માં ભરૂચ તાલુકાના કવિઠા નવિનગરી ખાતે રહેતા નરેશ સોમાભાઇ વસાવાને તેની પત્ની ઉપર શંકા હતી. જેને પગલે ત્રણ સંતાનોને ગામની પાસે આવેલી કેનાલમાં મગર જાેવા લઈ જાઉં તેમ કહી તેઓને ગામની સીમમાં આવેલા અવાવરૂ કૂવા પાસે લઇ ગયો હતો અને ત્રણેય સંતાનોને કૂવામાં ધક્કો મારીને ફેંકી દીધા હતા. જેમાં ત્રણ બાળકો પૈકી બાળકી હેમાક્ષી(ઉ.૦૭) અને બાળક અખિલ(ઉ.૦૫)નું મોત થયું હતું. જાેકે અન્ય એક બાળક રાહુલ(ઉ.૧૧) કૂવામાં રહેલા લાકડા પર પડ્યો હતો. જેથી તે ત્યાં લટકી રહ્યો હતો. પિતાએ ફરીથી તેને ત્યાંથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ, તેમાં પણ ભોગ બનનાર રાહુલ બચી જતાં આરોપી નરેશ વસાવાએ રાહુલને કુવામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ બીજા બંને બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી.

આરોપી પિતાને ભરૂચ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી આ કેસમાં ભરૂચના એડિશનલ સેશન્સ જજ એન.એસ.સિદ્દીકીએ આરોપી નરેશભાઈ સોમાભાઈ વસાવા(રહે, કવિઠા નવિનગરી, તા.જી.ભરૂચ)ને દોષિત ઠેરવીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦૧ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ ભરૂચની કોર્ટે કરતા કોર્ટ સંકુલમાં પણ સન્નાટો મચી જવા પામ્યો હતો.