ભરૂચ ભરૂચ જિલ્લામાં વકરી રહેલી કોરોનાની ચેઇન તોડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. પરંતુ તેઓની મહેનત ઉપર રાજકીય નેતાઓ રાબેતામુજબ પાણી ફેરવી રહ્યાં હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામામાં અનુસાર રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોવા છતાં પોલીસની હાજરીમાં જ ભરૂચના પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે પોલીસ રાજકીય નેતાઓ સામે લાચાર કેમ છે તે પ્રશ્ન લોકોમાં ઉદ્દભવી રહ્યો છે. બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતાં જ વાતાવરણ ગરમાયું હતું જેના પગલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ ઉપર હુમલાઓ થયા હોવાની વાત છે. ભજપાઈઓ ઉપર થયેલ હિંસા બાબતે વિરોધ પ્રદર્શનમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભરૂચ જિલ્લામાં નેતાઓ રાજકીય રસ ખાટવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તાજેતરમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું લાગુ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોઈપણ રાજકીય કાર્યક્રમો કે કોઈપણ કાર્યક્રમો કરી શકાશે નહીં. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા બંગાળની હિંસારૂપી ઘટનાને વખોડવાના ભાગરૂપે પાંચબત્તીના જાહેર માર્ગ ઉપર જ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યક્રમમાં પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો. સામાન્ય રીતે કોઇ વાહનચાલકનું માસ્ક નાકથી થોડું નીચે આવી ગયું હોય તો પણ તેને દંડો બતાવી રોકી પોલીસ દ્વારા પઠાણી ઉઘરાણીરૂપે માસ્કના કાયદાના ભાંગના નામે અને સોસિયલ ડિસ્ટન્સના નામે એક હજાર રૂપિયાનો દંડ પોલીસ વસુલતી હોય છે. જાે માસ્ક, સોસિયલ ડિસ્ટન્સનો ભંગ ન હોય તો પોલીસ આર.સી.બુક, પીયૂસી, લાઇસન્સ જેવા ઢગલાબંધ કાયદાઓની માયાજાળ રચી વાહન ચાલકને મસમોટો દંડ કરી કાયદાનું પાલન કરવામાં આવતું હોવાની વાહવાહી મેળવે છે.