ભરૂચ-

સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દૂધધારા ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. ડેરીના સંકુલ ખાતે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ તરીકે સતત ચોથી વખત ઘનશ્યામ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં અધ્યક્ષ અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની વરણી કરવામાં આવી હતી. ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી દરમ્યાન સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું. ડેરીના વ્યવસ્થાપન માટે બે પેનલો મેદાનમાં છે. સત્તા ટકાવવા અને હાંસલ કરવા ઘમાસાણ થાય તેવું એક તબક્કે વાતવરણ ઉભું થયું હતું. અટકળો વચ્ચે ચૂંટણીના ફોર્મ ભરવાથી લઈને ખેંચવાની તારીખ સુધીમાં ઘનશ્યામ પટેલની પેનલમાં 10 બેઠકો બિનહરીફ જાહેર થતા બાકીની પ્રક્રયા માત્ર ઔપરિચારિક બની હતી.

ભરૂચ દૂધધારા ડેરીની 15 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી જેમાંથી ૧૦ બેઠકો બિનહરીફ થઇ હતી. જંબુસર બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઘનશ્યામ પટેલના ઉમેદવારનો વિજય થતા મામલો એકતરફી બન્યો હતો. બહુમત સાથે આજે વર્તમાન પ્રમુખ અને ઉપ પ્રમુખની જ વરણી થતા બન્ને આગેવાનો હવે ડેરીની કમાન પુન:એકવાર સંભાળશે.