ભરૂચ, ભરૂચ જિલ્લામાં બિલાડીના ટોપની જેમ તેમજ કરોડપતિ બનવાની હોડ લાગી હોય તેમ બાયો ડીઝલના પમ્પ લોકો ખોલી ચુક્યા છે. હોટલ કે એન.એ. થઈ હોય તેવી જગ્યાઓ ઉપર એકાદ પેટ્રોલ ટેન્ક મૂકી બાયો ડીઝલ પંપની હાટડીઓ જાેવા મળી છે. જેમાં ફાયર સેફટી વગર કે સરકારના કાયદાઓની ચિંતા કર્યા વગર જ બાયો ડીઝલ વેચાતું હોવાની બુમો વારંવાર ઉઠતી રહે છે, પણ જાણે એ બાયો ડીઝલ વેચનારાઓ ઉપર રાજકીય નેતા કે સરકારી બાબુઓના આશિર્વાદ હોય તેમ બિન્દાસપણે બાયો ડીઝલ વેચતા જાેવા મળ્યા છે. લોકોના જીવની ચિંતા વગર જ બાયો ડીઝલ વેચનારા અને બનાવનાર ઉપર અચાનક ઊંઘમાંથી આંખો ખુલી હોય તેમ રેડ કરતી પોલીસ જાેવા મળી છે. ભરૂચ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ જી.આઇ.ડી.સીમાં પ્લોટ નંબર- ૨૧ આર.કે.સ્ટીલ નામની કંપનીનો પ્લોટ ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની સ્થાપી રાજકોટથી લાઈટ ડિઝલ ઓઈલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરાતો હતો. જેનું પ્રોસેસીંગ કરી તેને બાયોડીઝલ તરીકે બજારમાં છુટક સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બાતમી આધારે એસ.ઓ.જી. એ દરોડો પાડતા સ્થળ પરથી એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો ખાલી કરતા ઝડપાયું હતું. શેડમાં તપાસ કરતા ફાયર સેફટીના સાધનો વગર આ જાેખમી ગોરખ કારોબાર ધમધમાવવામાં આવતો હોવાની હકીકત ખુલી હતી. અન્યના જીવ જાેખમમાં મુકાય તે રીતે બાયોડિઝલના આ બે નંબરી વેપલમાં રાજકોટના વજુ નાનજી ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફ રહિમ મેમણ રહે. સુરતને વોન્ટેડ જાહેર કરાયો હતો. સ્થળ પરથી જવલનશીલ પ્રવાહી ૨૪,૦૦૦ લિટર કિંમત રૂ.૧૩ લાખ અને ટેન્કર મળી કુલ રૂ.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.