અમદાવાદ

કચ્છની ભૂજ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય નીમાબેન આચાર્યએ સોમવારે પ્રોટેમ સ્પીકરપદેથી રાજીનામું આપ્યા બાદ આજે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વરણી કરવામાં આવી છે. અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં સ્થાન મળતા નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે દુષ્યંત પટેલને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર નિયુક્તિ કરી હતી. નવા કાર્યકારી અધ્યક્ષ આગામી ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્રનું સંચાલન કરશે. જ્યારે મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈની જ્યારે દંડક તરીકે રમેશ કટારાની નિયુક્તિ કરવામાં આવી છે.નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ સ્પીકર પદ ખાલી છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. આ પહેલા જ વિધાનસભાના અધ્યક્ષ પદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું છે. ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. હવે ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળનાર છે, આ બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. કોઈ એક પ્રસંગ પૂરતા જ કામચલાઉ અધ્યક્ષ તરીકે જેમને જવાબદારી સોંપાય અને તે કામ પૂર્ણ થયા બાદ તો સ્પીકર નથી રહેતા. જેમને અંગ્રેજીમાં પ્રો-ટેમ સ્પીકર કહેવામાં આવે છે. જ્યારે જેઓ સ્પીકરની પેનલમાં હોય અને એક્ટિંગ સ્પીકર તરીકે જવાબદારી નિભાવતા હોય છે. જેમને એક્ટિંગ સ્પીકર કહેવાય છે.