ભાવનગર, ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીની સ્થિતિ સારી હોય અને ૭૫ ટકાથી વધુ પાણીનો જથ્થો મુખ્ય જળાશયોમાં સંગ્રહિત હોય ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જાેવા મળી છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં પોણા ત્રણ ગણો નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ઉનાળાના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૭૦૦૦ હેકટર હતુ તે આ વર્ષે ૭ માર્ચ સુધીમાં ૧૯,૬૦૦ હેકટર થઇ ગયું છે. સમગ્ર ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં ખાસ તો મગફળીના વાવેતરમાં ૩૨૦૦ હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.

ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે અને જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે. સાથે ડુંગળી, શાકભાજી અને મગ જેવા કઠોળ પણ છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહિત છે. ત્યારે મગફળી અને તલ-બાજરીનું વાવેતર વધ્યું છે. ગુજરાત રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં ૭ માર્ચ,૨૦૨૨ સુધીમાં મગફળીનું કુલ વાવેતર ૧૨,૪૦૦ હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૩૨૦૦ હેકટરમાં થયું છે. એટલે કે ૨૫.૮૦ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં ૧૫૦૦ હેકટર સાથે અમરેલી જિલ્લો બીજા નંબરે અને જૂનાગઢ જિલ્લો ૧૧૦૦ હેકટર સાથે ત્રીજા નંબરે છે. આમ પણ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રતાક્રમે હોય છે.