ભાવનગરને મળી કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ભેટ, આરોગ્ય સુવિધાના રૂ. 70 કરોડના વિકાસકામોની ભેટ આપી 
20, જુલાઈ 2021

ભાવનગર-

મુખ્યમંત્રીએ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમની સમગ્ર કેમ્પસની મુલાકાત લઇને તેની વિગતો પણ જાણી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇએ કેન્સરની સારવાર માટે નાણાને અભાવે રાજ્યનો કોઇપણ નાગરિક જાન ગુમાવે તે માટે સ્થાનિક સ્તરે જ અદ્યતન અને કરોડોના વિદેશી ઉપકરણો સાથેની કેન્સર હોસ્પિટલો સ્થાનિક સ્તરે જ ઉભી કરી ‘કેન્સરને કેન્સલ’ કરવું છે અને તે દ્વારા નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાઇઓમાં મોં ના અને બહેનોમાં ગર્ભાશયના કેન્સર વધતાં જાય છે ત્યારે તેની સારવાર માટે પહેલાં જામનગર, સૂરત અને હવે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ શરૂ થઇ ગઇ છે. આ કેન્સર હોસ્પિટલથી ભાવનગર સાથે અમરેલી અને બોટાદના નાગરિકોને પણ લાભ મળશે. 

અગાઉ કેન્સરની સારવાર લેવાં માટે બોમ્બે જવું પડતું હતું. અને કેન્સરની સારવાર પણ મોંઘી હતી. પરંતુ હવે આ કેન્સર હોસ્પિટલ શરૂ થઇ જવાથી અહીં જ સ્થાનિક સ્તરે સારવાર મળી જશે. આ કેન્સર હોસ્પિટલમાં રૂા. ૩૨ કરોડનું રેડિયેશન સારવારનું મશીન મુકવામાં આવ્યું છે જેનાથી આધુનિક સારવાર ઉપલબ્ધ થશે તેની રૂપરેખા તેમણે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં આરોગ્ય સેવાઓનું માળખું સુદ્રઢ કરતાં આગામી ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રમાં એઇમ્સની શરૂઆત થઇ જવાથી સૌરાષ્ટ્રના નાગરિકોને આધુનિક સુવિધાઓ મળતી થઇ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષઃ ૨૦૦૦ સુધી રાજ્યમાં મેડિકલની માત્ર ૯૦૦ બેઠકો હતી તે આજે બે દાયકામાં આપણે વધારીને ૬૫૦૦ બેઠકો કરી છે. જેનાથી આપણાં વિદ્યાર્થીઓને બહાર અભ્યાસ કરવાં માટે નહીં જવું પડે આ ઉપરાંત આપણને જોઇતાં ડોક્ટરો તૈયાર કરી શકાશે.

કોગ્રેસે માત્ર સ્ટ્રક્ચરો ઉભા કર્યા પરંતુ આપણે સાચા અર્થમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાં કર્યા છે. કોગ્રેસે નર્મદા ડેમનું માળખું બનાવ્યું પરંતુ તેને ખરાં અર્થમાં સાકાર કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. ભાવનગરમાં પણ આગામી સમયમાં સી.એન.જી. ટર્મિનલ શરૂ કરવામાં આવશે. અલંગનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા-દહેજ ફેરી જેવાં પ્રકલ્પો શરૂ કર્યો છે આ તમામ દ્વારા ભાવનગરનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ભરવામાં આવેલાં પગલાંઓની સમજ તેમણે આપી હતી. 

રાજ્યમાં આજની તારીખે ૩ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. ‘ન રૂકના હૈ, ન ઝૂકના હૈ’ ના મંત્ર સાથે કોરોનાની બે તબક્કાની લડાઇમાં આપણે સફળતાપૂર્વક બહાર આવી ગયાં છીએ. કોરોના સામેની લડાઇમાં રસીકરણ એ જ હથિયાર છે. મેં પણ રસીના બંન્ને ડોઝ લઇ લીધાં છે. કોરોના સામેના ત્રીજા વેવમાં સુરક્ષિત રહેવાં માટે તમામ નાગરિકોએ કોરોનાની રસી લઇ લેવી જોઇએ તેમ જણાવી તેમણે લોકોને કોરોના હજુ ગયો નથી તેમ માનીને સાવચેતી અને સાવધાની રાખવાં જણાવી બીનજરૂરી અંધશ્રધ્ધા- વહેમથી દૂર રહી વહેલી તકે રસી લઇ લેવાં નાગરિકોને અપીલ કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution