ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફ્લો થયો છે. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સતત આવકને લઈ ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા આજે સોમવારે સવારે એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતા.સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત પાંચમી વખત છલકાયો છે. જેમાં તારીખ ૨૦ ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ ૨૧ના રોજ ૧૫ દરવાજા ખુલ્યા, તારીખ ૨૨ નારોજ ૬ દરવાજા ખુલ્યા, તારીખ ૨૩ના રોજ ૧૫ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૪ના રોજ ૬ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૬ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં બાદ આજે તારીખ ૨૭ના રોજ એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં છે.પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છેઆ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના ૫ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.

રાજુલામા ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા

 અમરેલી રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના રાજુલા શહેરમાં ૪ કલાકમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. વરસાદના પગલે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રહીશો તેમજ વેપારીઓ પરેશાન બન્યા હતા. રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી, ખાખબાઈ, મોટા આગરીયા, નવા આગરીયા, જાપોદર સહિત આસપાસના કેટલાક ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. જાેકે, સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલમાં કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. હાલ ખેડૂતોને વધુ વરસાદની જરૂર ન હોવા છતા સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કરાણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. જિલ્લાના લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. તેમજ શેખપિરિયા, પ્રતાપગઢ, અકાળા, રામપર, તાજપર સહિત મોટાભાગના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લામા સતત વરસાદ પડવાના કારણે બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. યાર્ડમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલ પુરતી ખેત જણસોની આવક બંધ કરી દેવામાં આવી છે, તેમજ ખેડૂતોને પણ માલ લઈને ન આવવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના માલ યાર્ડમાં વધુ આવતો હોવાને કારણે નુકસાન ન જાય તે માટે મહત્વનો ર્નિણય લેવાયો છે. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલમા મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદ તાલુકાના ટીબી ગામની રૂપેણી નદીમાં પુર આવ્યું છે. જેના કારણે ગામ વચ્ચે અવર જવરના કોઝવે પરથી પાણી જઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. જાફરાબાદના ટીંબીમાં પણ ૩ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.