19, ઓક્ટોબર 2020
મુંબઇ
રાજકુમાર રાવ તથા ભૂમિ પેડનેકર પહેલી જ વાર ફિલ્મમાં સાથે કામ કરશે. બંને 'બધાઈ હો'ની સીક્વલ 'બધાઈ દો'માં કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે.
ફિલ્મમાં રાજકુમાર રાવ દિલ્હી પોલીસના રોલમાં જોવા મળશે. મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રાવ એકમાત્ર પુરુષ છે. ભૂમિ પેડનકેર સ્કૂલમાં PT ટીચરના રોલમાં છે. 'બધાઈ દો'ને 'બધાઈ હો'ના રાઈટર અક્ષત તથા સુમન અધિકારીએ લખી છે. ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણી ડિરેક્ટ કરશે. 'બધાઈ હો'ને અમિત શર્માએ ડિરેક્ટ કરી હતી.
ફિલ્મ અંગે વાત કરતા રાજકુમાર રાવે કહ્યું હતું, 'આ ફિલ્મ મારા માટે ઘણી જ ખાસ છે. આ પાત્રમાં ઘણી બધી ખૂબીઓ રહેલી છે. તૈયારીની વાત કરવામાં આવે તો હું મારા પાત્રની મારી રીતે તૈયારી કરતો હોઉં છું. 'બધાઈ દો'નું પાત્ર યુનિક છે. દર્શકોને આ ફિલ્મમાં સરપ્રાઇઝ મળશે.'
વધુમાં રાજકુમાર રાવે કહ્યું હતું, 'બધાઈ દો' અંગે ચાહકોને વધુ પડતી અપેક્ષાઓ હશે અને અમે તેમની આ અપેક્ષાઓ પૂરી કરવાનો પૂરતો પ્રયાસ કરીશું. આ ફિલ્મની વાર્તા 'બધાઈ હો' કરતાં તદ્દન અલગ છે પરંતુ યુનિક છે. દર્શકોને ફિલ્મ જોવાની ઘણી જ મજા આવશે.'
ભૂમિ પેડનેકરે 'દમ લગાકર હઈશા' તથા 'પતિ પત્ની ઔર વો'માં ટીચરનો રોલ પ્લે કર્યો હતો. હવે તે 'બધાઈ દો'માં પણ ટીચરના રોલમાં જોવા મળશે. ભૂમિએ કહ્યું હતું, 'મેં મારી અગાઉની ફિલ્મમાં વિવિધ રોલ પ્લે કર્યા છે. 'બધાઈ દો'નો રોલ મારા માટે ખરા અર્થમાં સ્પેશિયલ છે. મને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ પસંદ આવી હતી અને ફિલ્મનો સબ્જેક્ટ ઘણો જ રિલેવન્ટ છે. હું પહેલી જ વાર રાજકુમાર રાવ સાથે કામ કરવાની છું અને આ વાત પર ઘણી જ ઉત્સાહી છું. 'બધાઈ હો' મારી ફેવરિટ ફિલ્મ રહી છે અને હવે આ જ ફિલ્મની સીક્વલમાં કામ કરવાની તક મળી છે.'
ફિલ્મના ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણીએ કહ્યું હતું, 'બધાઈ દો'નો હિસ્સો બનીને ઘણો જ ખુશ છું. ફેમિલી કોમેડી હંમેશાં એવરગ્રીન ટોપિક રહ્યો છે. પ્રી પ્રોડક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અમે જાન્યુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દઈશું.'
2018માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં લીડ રોલમાં આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ, સુરેખા સિકરી, સાન્યા મલ્હોત્રા જેવા કલાકારો હતા. આ ફિલ્મને અમિત રવિન્દ્રનાથ શર્માએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં 50 વર્ષની મહિલા પ્રેગ્નન્ટ થાય છે અને પરિવાર-સમાજ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે, તેના પર આધારિત હતી. ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મને બે નેશનલ અવોર્ડ મળ્યા હતા, જેમાં સુરેખા સીકરીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. જ્યારે ફિલ્મને બેસ્ટ પોપ્યુલરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.