વડોદરા : શહેરમાં બિચ્છુગેંગનો આતંક વધતાં ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે બિચ્છુગેંગને નાણાકીય સહાય પૂરી પાડવાનો આરોપ ધરાવતા ‘જગ્ગુ’ ઉર્ફે રજબઅલી શેખે બંદૂકની અણીએ વૃદ્ધનું રૂા.૧ કરોડનું મકાન લખાવી લીધું હોવાની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. જેમાં અસલમ બોડિયો, મુન્નો તડબૂચ ઉપરાંત ભાજપાના એક કાર્યકરની મદદથી વાડી પોલીસે ફરિયાદ વૃદ્ધને જ આરોપી બનાવી દીધા હોવાની ચોંકાવનારી હકીકત દર્શાવવામાં આવી છે. હાઈકોર્ટે પણ વાડી પોલીસની કાર્યવાહી સામે મનાઈહુકમ આપ્યો છે.

શહેરના પ્રતાપનગર સોનપાલ પેટ્રોલ પંપ પાછળ આવેલ રાફિયાના મકાન નં.૪૦૨-૪૦૩ વસીમ સલાઉદ્દીન તોરબાઅલી જાપાનવાળા કે જે ૮૦ વર્ષની ઉંમર ધરાવે છે. એમને બિલ્ડરને પૂરેપૂરી રકમ ચૂકવી દીધા બાદ દસ્તાવેજ પણ કર્યો હતો. પરંતુ બિલ્ડર બંને ફલેટનું કામ પૂરું કરતો નહોતો. પરિચિત વ્યક્તિ દ્વારા અપ્સરા સ્કાયલાઈનના બિલ્ડર અને બિચ્છુગેંગને આર્થિક મદદ કરી રક્ષણ મેળવનાર ‘જગ્ગુ’ ઉર્ફે રજબદ્દીન જેનુદ્દીન શેખને મળ્યા હતા અને રાફિયા પાર્કના મકાન નં.૪૦૨-૪૦૩નો કબજાે જલદી અપાવવા માટે વિનંતી કરી હતી.

એ જ સમયે અસલમ બોડિયો, મુન્નો તડબૂચ અને ભાજપાના એક પ્રેમાળ કાર્યકરે ‘જગ્ગુ’ સાથે મળીને કાવતરું રચ્યંુ હતું અને વરસોથી જાપાન સ્થાયી થયેલા અને ગુજરાતી નહીં જાણતાં વસીમભાઈ પાસેથી મકાનનો કબજાે મેળવવા માટે પાવર ઓફ એટર્ની મેળવવાના બહાને ગુજરાતીમાં સેલડીડ તૈયાર કરાવી લીધું હતું અને નોટરીને હાજર રાખી સહી કરવાનું કહેતાં વસીમભાઈને શંકા ગઈ હતી, ત્યારે ‘જગ્ગુ’એ બંદૂકની અણીએ ધાકધમકી આપી સહી કરાવી લીધી હતી. આ બનાવ અંગે વસીમભાઈએ તા.૧૨-૬-૨૦૧૮એ વાડી પોલીસ મથકે અરજી કરી હતી અને તપાસની માગ કરી હતી. વાડી પોલીસે વસીમભાઈની અરજીની તપાસ કરી નહોતી. પરંતુ નિવેદન લેવાના બહાને વસીમભાઈ સામે છેતરપિંડીની ખોટી ફરિયાદ નોંધી એમને પૂરી દીધા હતા. વાડી પીઆઈ કે.પી.પરમાર ઉપર ભાજપાના પ્રેમાળ કાર્યકર અને બિચ્છુગેંગ દ્વારા દબાણ લાવી ‘જગ્ગુ’ને ફરિયાદી બનાવી વસીમભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનરને રૂબરૂમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.બીજી તરફ પોતાની સામે ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ ઊભી થતાં વસીમભાઈએ હાઈકોર્ટમાંથી એમની સામે કાર્યવાહી અંગે મનાઈહુકમ મેળવ્યો હતો. આમ મકાનનો કબજાે લેવા માટે ગયેલા વૃદ્ધને બિચ્છુગેંગના સાગરિત ‘જગ્ગુ’ અને ભાજપાના પ્રેમાળ કાર્યકરની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાથી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાયની માગ કરી છે.

નોટરીએ રોકડ લેવડદેવડનો ઈન્કાર કર્યો

બિચ્છુગેંગના સાગરિત ‘જગ્ગુ’એ વૃદ્ધ વસીમભાઈ પાસેથી જબરદસ્તીથી ધમકી આપી લેખાવી લીધેલા સેલડીડમાં નોટરીએ વાડી પોલીસ સમક્ષ મારી સામે રોકડા રૂા.૬૦ લાખની લેવડદેવડનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ શાતીર જગ્ગુએ રાફિયા પાર્કમાં મકાન નં.૪૦૨-૪૦૩ એના પંટરોને ૧૧ લાખમાં વેચ્યા હોવાના ખોટા કાગળો બનાવ્યા છે. આમ જગ્ગુ અને વાડી પોલીસની મિલીભગતથી વસીમભાઈને રૂા.૧ કરોડની મિલકત ખોવાનો વારો આવ્યો છે.

બોડીયો - મુન્નાને પકડવા વધુ બે ટીમની રચના

ગુજસીટોક હેઠળ વડોદરામાં નોંધાયેલી સૌ પ્રથમ ફરિયાદમાં બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ટપોરીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અભિયાન તેજ કર્યું છે. અસલમ બોડિયો અને મુન્નો તડબૂચને ઝડપી પાડવા અગાઉ ત્રણ ટીમો કાર્યરત હતી, એની સંખ્યા વધારી હવે પાંચ કરી દેવાઈ છે અને બિચ્છેગેંગનું પગેરું દાબવાનું શરૂ કર્યું છે. બીજી તરફ શહેરના અન્ય ગેંગસ્ટરોના ક્રાઈમ રેકોર્ડની ચકાસણી પણ શરૂ કરવામાં આવી હોવાનું બહાર આવતાં માથાભારે તત્ત્વો ભૂગર્ભમાં ઊતરી ગયા છે.બિચ્છુગેંગના લીડર અસલમ બોડિયો અને મુન્નો તડબૂચને ઝડપી પાડવા અગાઉ ત્રણ ટીમોની રચના કરવામાં આવી હતી, જે રાજ્ય બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે શોધખોળ ચલાવી રહી છે. ત્યારે ગુજરાત માટે પણ બે અલગ અલગ ટીમો બનાવી બંનેને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ બનાવાઈ છે જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદ મેળવાઈ રહી છે.મુન્ના તડબૂચના ફાર્મ હાઉસ અને બીજા સ્થળોએ દરોડા બાદ અસલમ બોડિયાની મિલકતો અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. જાે કે, એમાં ઝાઝી સફળતા નહીં મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બિચ્છુગેંગને મદદ કરનારા તત્ત્વોને પણ એટલા જ જવાબદાર ગણી એમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એમની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીને પગલે અંધારી આલમમાં ફફડાટ ફેલાયો છે. ટપોરીઓ અને ગેંગસ્ટરો પોલીસના ડરથી વડોદરા છોડી ગયા હોવાનું બહાર આવ્યું છે