મોડાસામાં હોમગાર્ડ ભરતી મેળા બાદ મોટી ઇસરોલના યુવકનું મોત
29, નવેમ્બર 2021

મોડાસા, હાલ ગુજરાતમાં સરકારી ભરતીની મોસમ ચાલી રહી છે. હોમગાર્ડ, જીઆરડી, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે યંગસ્ટર્સ કમર કરી રહ્યાં છે. પરંતુ ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે. અરવલ્લી જિલ્લાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી ૨૪૩ ઉમેદવારો ભરતીમાં જાેડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર ૨૫ વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution