ગાંધીનગર-

ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરીથી દસ્તક દીધી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરત, નવસારી, વલસાડ સહીતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો મેઘરાજાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

મેઘરાજાના બ્રેક બાદ આજે સુરતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરતના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો હતો. અને સુરતના ઉધના દરવાજા, મજુરા ગેટ, રાંદેર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અડાજણ, પારલે પોઇન્ટ, અઠવા ગેટમાં પણ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, સતત ૭ દિવસથી બફારાવાળું વાતવરણ હતું. અને આજે આખરે વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પસરી હતી.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના તિઘરા, ઇટાળવા, જલાલપોર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતાં ભારે ગરમી અને બફારામાં લોકોને રાહત મળી હતી. અને વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ ઉપરાંત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વલસાડના પારડી, વાપી, ઉમરગામમાં વરસાદ ખાબક્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ વરસતાં ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના તાલાલા, સુત્રાપાડા, ઉના, કોડીનારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પ્રવાસન સ્થળ દીવમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોનારી, કાજરડી, તડ, ડોળાસા, દેવળી, લોઢવા, પરસનાવાડા, ધાવા, માધુપુર, જસાધાર, જાંબુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડીયાળી, વઢેરા, બલાણા, હેમાળમાં વરસાદ વરસ્યો હતો. વાવણી બાદ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જાેવા મળી રહ્યો છે. ગોમતીઘાટે ૫ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. અને વલભીપુરમાં ધોધમાર વરસાદ વરસતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સાબરકાંઠાના પોશીનામાં વરસાદ વરસ્યો હતો. લાંબડીયા, કોટડા, દેલવાડામાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે પાકને જીવતદાન મળ્યું છે.