દિલ્હી-

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબર, 2020 ના રોજ થશે, બીજો તબક્કો 3 નવેમ્બરના રોજ અને ત્રીજા તબક્કાની ચૂંટણી 7 નવેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો 10 નવેમ્બર 2020 ના રોજ જાહેર કરવામાં આવશે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં જ્યાં 16 જિલ્લાઓની 71 બેઠકો પર મતદાન થશે, ત્યાં બીજા તબક્કામાં 17 જિલ્લાઓમાં 94 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત, ત્રીજા અને અંતિમ તબક્કાના 15 જિલ્લાની 78 બેઠકો પર મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરી શકશે.

બિહારના ઘણા પક્ષોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચૂંટણીની તારીખો કોરોના સમયગાળામાં લંબાવી દેવી જોઈએ. ચીફ કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે વિશેષ કાળજી લેવામાં આવશે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચૂંટણીનું શિડ્યુલ બનાવતી વખતે આનું ધ્યાન રાખવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોના માહામારીમાં આ દેશની જ નહીં પરંતુ દુનિયાની પ્રથમ મોટી ચૂંટણી થવાની છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં અમે મતદાન મથક પર મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. નક્સલવાદી અસરગ્રસ્ત વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.