વડોદરા, તા.૪ 

વડોદરા તાલુકાના આલમગીર ગામના ખેડૂતને એક કારચાલકે જાંબુઆ ગામ નજીક અમદાવાદ-સુરત હાઈવે પરના જાંબુઆ જીઈબી ઓફિસના કટ પાસે અડફેટે આવી જતાં બાઈકસવાર ખેડૂતનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યુ હતું. આ અકસ્માત મોતના બનાવની કાર્યવાહી મકરપુરા પોલીસે કરી હતી. મૂળ આલમગીર ગામે રહેતા અને હાલ વડોદરાના માણેજા સંસ્કાર એક્ઝોટીકા સોસાયટીમાં રહેતા વિનુભાઈ રયજીભાઈ પટેલ (ઉં.વ.૬પ) ખેતીના ધંધા સાથે સંકળાયેલા હતા. તેઓ ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા હોવાથી તેઓ ખેતીકામ કરતા હતા. આજે સવારે તેઓ સવારના સમયે બાઈક લઈને વડોદરાથી આલમગીર ગામે ખેતીના કામે જઈ રહ્યા હતા એ દરમિયાન જાંબુઆ હાઈવે પર આવેલ જીઈબીની ઓફિસ પાસે આવેલ હાઈવે કટ પાસે પૂરઝડપે પસાર થતા સંકેતભાઈ સાંગાણી નામના કારચાલકે વિનુભાઈની બાઈકને અડફેટે લીધી હતી જેમાં ખેડૂત્‌ વિનુભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતાં હતી. ઈજાગ્રસ્ત ખેડૂત વિનુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કારચાલક સંકેત સાંગાણીને સ્થાનીક લોકોએ ઝડપી પાડી મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.