વડોદરા, તા. ૪

વડસર રોડ પર આવેલી બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા મનફાવે તેવી ફી ઉઘરાવવા બાબતે અનેક ફરિયાદો થયા બાદ ગઈકાલે ડી.ઈ.ઓ કચેરીના અધિકારી અને વાલીઓ દ્વારા સ્કુલની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે સ્કૂલમાંથી વાત કરી શકે તેવા કોઈ જવાબદાર વ્યક્તિ નહોતા મળી આવ્યા પરંતુ આજે સ્કુલ દ્વારા વાલીઓને પત્ર લખીને માર્ચ મહિનામાં સ્કુલ દ્વારા કરવામાં આવેલી રીવ્યુ એપ્લિકેશન ગાંધીનગરથી મંજુર થયા બાદ વડોદરા એફઆરસી દ્વારા કામગીરી ન કરાઈ હોવાથી સ્કુલ પોતે નક્કી કરેલી ફી એટલે કે પ્રોવિઝનલ ફી વસૂલી રહી છે, તેવો ખુલાસો કર્યો હતો.

ફેબ્રુઆરી મહિનાથી બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા મનફાવે તેમ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે અવારનવાર ડી.ઈ.ઓ કચેરીના અધિકારીઓ તપાસ કરવા જતા હોવા છતાં સ્કુલ તરફથી જવાબદાર સક્ષમ વ્યક્તિ હાજર ન મળતા હોઈ તપાસ થઇ શક્તી ન હતી. તાજેતરમાં જ વાલીઓ દ્વારા ફરી એક વખત સ્કુલની આનાકાની બાબતે ફરિયાદ કરવામાં આવતી ડી.ઈ.ઓ કચેરીના અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી, જેમની સાથે કેટલાક વાલીઓ પણ સ્કુલ ખાતે પહોંચી ગયા હતા.

 ગઈકાલે પણ સ્કૂલમાં કોઈ જવાબદાર વ્યક્તિ ન મળી આવતા વિવિધ મુદ્દાઓને લઈને લેખિતમાં ખુલાસા માંગવામાં આવ્યા હતા. જોકે, બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા ડી.ઈ.ઓ કચેરીને જવાબ આપવાની જગ્યાએ વાલીઓને પત્ર લખીને ખુલાસો કર્યો હતો.

પત્રમાં જણાવ્યા અનુસાર, વડોદરા ઝોનની એફઆરસી દ્વારા ૫ ફેબ્રુઆરીના રોજ બિલ્લાબોન્ગ સ્કૂલની ફી નક્કી કરવામાં આવી હતી. સ્કુલ દ્વારા એફઆરસીએ મંજુર કરેલ ફી ને ગાંધીનગર સ્થિત રીવીઝન કમિટી સમક્ષ પડકારવામાં આવી હતી. આ કમિટી દ્વારા વડોદરા એફઆરસીને બિલ્લાબોન્ગ સ્કૂલની ફી અંગે પુનઃ વિચારણા કરવા માટેનો ઓર્ડર કર્યો હતો. જે અંગે વડોદરા ઝોન, એફઆરસીએ કોઈ કામગીરી ન કરી હોવાથી સ્કુલ દ્વારા જાતે નક્કી કરેલી ફી(પ્રોવિઝનલ ફી) લેવામાં આવી રહી હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે.

વાલીઓ અને ડી.ઈ.ઓ ના અધિકારીની મુલાકાત બાદ બિલ્લાબોન્ગ સ્કૂલ ‘ફ્યુમીગેશન’ માટે બંધ કરાઈ

ગઈકાલે બિલ્લાબોન્ગ સ્કુલ ખાતે તપાસ માટે ડી.ઈ.ઓ કચેરીના અધિકારી સાથે કેટલાક વાલીઓ પણ પહોંચ્યા હતા. જોકે, સ્કુલ પર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી યોગ્ય તપાસ થઇ ન હતી. આ ઘટના બાદ સાંજે જ બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા વાલીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં વાલીઓ એપોઇન્ટમેન્ટ વગર સીધા આવી ગયા હોવાનું અને કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સીન્ગ તેમજ ડેકોરમની જાણવણી વગર સ્ટાફની લાગણી દુભાવી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય આજથી સ્કુલ અનિર્ધારીત સમય સુધી બંધ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.