09, જુન 2020
વડોદરા, તા. ૮
સરકાર દ્વારા શાળાઓને ૮ મે થી હોમ ર્લનિંગ અંતર્ગત ઓનલાઇન ભણાવવાની મંજૂરી આપી છે. ગઈકાલ સુધી પોતે નક્કી કરેલી ફી ભરવા દબાણ કરી રહેલી બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા હવે ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન અપાયા હોવાની ફરિયાદ ડી.ઈ.ઓ કચેરી ખાતે કરવામાં આવી છે. જોકે, ડી.ઈ.ઓ દ્વારા આ મુદ્દામાં હસ્તક્ષેપ કરીને આવતીકાલે સવારે સ્કુલ ખાતે જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી, તેઓને પણ પાઠ્યપુસ્તકો અપાવવાની બાયંધરી આપવામાં આવી છે.વડસર રોડ પર આવેલી બિલ્લાબોન્ગ સ્કુલ ગત ફેબ્રુઆરી મહિનાથી મનફાવે તેમ ફી ઉઘરવવા બાબતે વિવાદમાં સપડાયેલી હતી. તાજેતરમાં જ એફઆરસી દ્વારા ફી અંગેની સ્કૂલની રીવીઝન અંગે ચુકાદો આપ્યો હોવા છતાં હજુપણ સ્કુલ દ્વારા પોતે નક્કી કરેલી ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ૮ જૂનથી શાળાઓને ઓનલાઇન શિક્ષણ શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બિલ્લાબોન્ગ સ્કુલ દ્વારા પોતે નક્કી ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન અપાતા સંખ્યાબંધ વાલીઓ આજે ડી.ઈ.ઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્કુલ દ્વારા કરવામાં આવી રહેલા આ ભેદભાવ અંગે રજૂઆત કરી હતી. ડી.ઈ.ઓ દ્વારા આવતીકાલે કચેરીના અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અપાવવામાં આવશે અને તેમના ઓનલાઇન અભ્યાસમાં કોઈ ખલેલ નહિ પહોંચે તેવી બાયંધરી અપાતા મામલો થાળે પડ્યો હતો.