અમદાવાદ-

ગુજરાતમાં રાજ્યસભાની બે ખાલી પડેલી બેઠકો માટે પહેલી માર્ચે મતદાન યોજાવા જઇ રહ્યું છે અને આ માટેનું જાહેરનામું ગુરુવારે બહાર પડ્યું છે. આ બન્ને બેઠકો માટેની ચૂંટણી અલગ-અલગ બેલટ પર કરવાની હોવાથી દરેક ધારાસભ્યને બે મત નાંખવાના હોવાથી બહુમતીના સિદ્ધાંતે ભાજપ આ બન્ને બેઠક હાંસલ કરી લેશે. આ બે બેઠકો પૈકી એક ઉપર ભાજપ દલિત તો બીજી બેઠક પર પાટીદાર સિવાયના અન્ય સવર્ણ સમાજમાંથી આવતા નેતાને ઉમેદવારી કરાવશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ભાજપના છ સભ્યો પૈકી ત્રણ પાટીદાર, એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ, એક ઓબીસી અને એક અનુસૂચિત જનજાતિ સમાજના સભ્યો છે.

એક બેઠક અભય ભારદ્વાજના અવસાનથી ખાલી પડી છે અને તે પોતે પણ બ્રાહ્મણ સમાજના હતા. આથી દલિત સમાજના એક પણ રાજ્યસભાના સભ્ય ન હોવાથી એક દલિત નેતાને રાજ્યસભામાં મોકલવામાં આવશે. જ્યારે સવર્ણ સમાજમાંથી હવે પાટીદાર સિવાયના કોઇપણ એક સમાજમાંથી એક નેતાની પસંદગી કરાશે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે વણિક જ્ઞાતિના કોઇ એક અનુભવી અને જાહેર ક્ષેત્ર સાથે જાેડાયેલાં નેતાને મોકલવામાં આવશે.

ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. કોંગ્રેસના નેતાના જણાવ્યા અનુસાર હાલ પાર્ટીના રાજ્યસભા સાંસદો શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય, અમી યાજ્ઞિક બ્રાહ્મણ તથા નારણ રાઠવા આદિવાસી સમાજના છે. આથી આ સંજાેગોને જાેતાં પાર્ટી કોઇ એક વરિષ્ઠ પાટીદાર અથવા દલિત સમાજના નેતાને ઉમેદવારી કરાવી શકે છે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવા માટે ૧૮ ફેબ્રુઆરી છેલ્લો દિવસ છે.