વડોદરા : આગામી શુક્રવાર છઠ્ઠી ઓગસ્ટે યોજાનારી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે દરેક કોર્પોરેટરને મતદાન સમયે હાજર રહી ભાજપ ઉમેદવારની તરફી મતદાન કરવા વ્હીપ જારી કર્યો છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ૧૨ બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે તા.૩૦ જુલાઈએ ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી .જેમાં ચાર ઉમેદવારો શર્મિષ્ઠા ઠાકોરભાઈ સોલંકી,ડો.હેમાંગ યોગેશચંદ્ર જાેશી, અંજના પ્રકાશ ઠક્કર, તથા ગજ્જર ભરત પરસોત્તમ ભાઇ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. આગામી તા.૬ઠ્ઠી ઓગસ્ટના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વિભાગની ૮ બેઠકો માટે ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજવવાનો છે. તારીખ ૬ ઓગસ્ટ શુક્રવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન કોર્પોરેશનના સયાજીરાવ સભાગૃહમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતગણતરી આ દિવસે આ જ સ્થળે બપોરે ૩.૩૦ વાગ્યાથી થશે. આ ચૂંટણીમાં મતદાન કોર્પોરેશનના ૭૬ કોર્પોરેટરો કરશે. ત્યારે આ અંગે દરેક સભાસદ છઠ્ઠી ઓગસ્ટે ફરજિયાત હાજર રહી ભાજપ ઉમેદવાર તરફી મતદાન કરવા માટે આદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવ્યો છે.કોંગ્રેસના એક ઉમેદવારે પણ ફોર્મ ભર્યુ છે.જાેકે સભ્ય સંખ્યા જાેતા કોંગ્રેસના ઉમેદવાર જીતે તેવી શક્યતા નહીવત છે. જાે ક્રોસ વોટીંગ થાય અને વધુ બે મત મળે તોજ જીતી શકે.