બંગાળ

બંગાળમાં ચુંટણીની હલચલ વચ્ચે કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયોનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઈને નવી રાજકીય ચચાઓએ જોર પકડ્યું છે. આ કથિત વીડિયોમાં બાબુલ એક શખ્સને થપ્પડ મારતા નજરે પડે છે, જેને લઈને ટીએમસી તેમના પર પ્રહાર કરી રહી છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય મંત્રીએ પણ સ્પષ્ટતા આપી છે.

ટોલીગંજની પાર્ટી ઓફિસમાં બાબુલ સુપ્રિયો કથિત રૂપે એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે. વિડીયો પ્રમાણે એક વ્યક્તિ કેન્દ્રીય મંત્રીને કહી રહ્યો છે કે ટીવી પર બાઇટ્સ આપવા અને ફોટા બતાવવાને બદલે, જમીન પર સંપૂર્ણ તાકાત સાથે અભિયાન ચલાવો. આ બાદ બાબુલ તે માણસને ચૂપ રહેવા કહે છે પરંતુ તે સતત તેમની સાથે દલીલ કરવાનું શરૂ કરે છે. જેના પછી પ્રધાને તેના પર હાથ ઉગામી દીધા. આ ઘટનાનો વીડિયો સોમવારે વાયરલ થયો હતો, ત્યારબાદ નવો વિવાદ ઉભો થયો.

જો કે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતી વખતે બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે તેણે વ્યક્તિને થપ્પડ માર્યો નથી પરંતુ માત્ર તેનો દેખાવ કર્યો હતો. આ ઘટના ટોલીગંજ મત વિસ્તારના રાણીકુથી વિસ્તારમાં સ્થિત ભાજપ કાર્યાલયની છે. જ્યાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી ડોલજત્રા ઉત્સવમાં ભાગ લેવા ગયા હતા.

આ ઘટના પછી, બાબુલનું કહેવું છે કે “જ્યારે લોકો એક પક્ષથી બીજી પાર્ટીમાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક વિભીષણ હોય છે અને કેટલાક મીર જાફર (દગાબાજ) હોય છે. કેટલાક લોકો હંમેશાં તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં મને ઉશ્કેરવા છતાં મેં સંયમ રાખ્યો હતો.” જો કે બાબુલ સુપ્રિયોએ આ વ્યક્તિ વિશે તેમનું શું માનવું છે તેવું કહ્યું નહીં. આ વ્યક્તિ ટીએમસી દ્વારા મોકલવામાં આવ્યો હતો કે તે તેની પોતાની પાર્ટીનો કાર્યકર હતો. તેવું જણાવ્યું નહોતું.

ટીએમસીએ આ ઘટના બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. પક્ષના પ્રવક્તા કુણાલ ઘોષે પૂછ્યું કે સુપ્રિયોને થપ્પડ મારનાર વ્યક્તિ ટીએમસીનો બાહ્ય વ્યક્તિ છે કે ભાજપમાં મતભેદ છે? તેમણે કહ્યું કે જેઓ અન્ય પક્ષોથી આવતા લોકોને તેમની સાથે જોડે છે, તેઓએ આવી વાતો ન કરવી જોઈએ.