પ.બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યાથી ચકચાર મચી
05, ઓક્ટોબર 2020

કોલકત્તા-

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા ની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે.

બીજેપી નેતાની હત્યા બાદ અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ઘટનાની ગંભીરતાને જાેતાં અડધી રાતથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. કહેવાય છે કે વિસ્તારના કાઉન્સિલર મનિષ શુક્લા રવિવારે રાતે સાડા આઠ વાગે ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે બનેલા કાર્યાલયમાં બેઠા હતા. આ દરમિયાન બાઈક સવાર હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મનિષ શુક્લાને પહેલા બરાકપોરની બીએન બોસ હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં હાલત ગંભીર જાેતા તેમને એપોલો હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. આ ઘટનામાં એક અન્ય યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના વિરોધમાં પશ્ચિમ બંગાળ ભાજપે બરાકપોરમાં ૧૨ કલાકના બંધનું આહ્વાન કર્યું છે. 

સીબીઆઈ પાસે આ કેસની તપાસ કરાવવી જાેઈએઃ ભાજપ 

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. આ સાથે જ પોલીસ હવે મનીષ શુક્લાનું પોસ્ટમોર્ટમ કરાવી તેની તપાસ આગળ ધપાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સંજયસિંહે આ ઘટના અંગે મમતા બેનર્જી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તે જ સમયે તેમણે બેરકપુરમાં સત્તાવાર રીતે બંધનું એલાન આપવાની માહિતી પણ આપી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution