21, જાન્યુઆરી 2022
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઈને એક પછી એક નવા નવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત આજે રાજ્યના ૧૦ જેટલા વિવિધ બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ સવા વર્ષ અગાઉ ૧૮ બોર્ડ-નિગમના ચેરમેનની મુદ્દત પૂરી થયા બાદ તે જગ્યાએ નવી નિમણુંકો અપાઈ નથી. જેથી હવે આ જગ્યાએ ટિકિટથી વંચિત રહેનાર આગેવાનોને નિમણુક આપવામાં આવશે તેવી વિગતો સામે આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે તમામ બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં માગી લેવાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા તાજેતરમાં વર્તમાન બોર્ડ-નિગમના ચેરમેન, વાઈસ-ચેરમેન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનનાં રિપોર્ટ કાર્ડ મંગાવવામાં આવ્યા હતા. ત્યાર બાર આજે રાજ્ય સરકાર દ્વારા ૧૦ જેટલા બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા પાંચ હોદ્દેદારોનો આ રાજીનામામાં સમાવેશ થઇ જાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે જે બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે, તેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત રાજ્ય બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, ગુજરાત મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલિયા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજ ભટ્ટ, ગુજરાત રાજ્ય લઘુમતી બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન-જીઆઇડીસીના ચેરમેન બળવંત સિંહ રાજપૂત સહિતના ૧૦ બોર-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના અંતર્ગત આગામી તા. ૨૫ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ૫૦ લાખથી વધુ પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરવાના છે. જે અંગે માર્ગદર્શન આપવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આજે રાજ્યના ૫૭૯ મંડળના ૪૦ હજારથી વધુ કાર્યકરો સાથે એક સાથે વર્ચ્યુઅલી બેઠકો યોજાઈ હતી. જેમાં પેજ સમિતિઓને મજબુત બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ બુથના કાર્યકર્તાઓને પણ સક્રિય રહેવા માટેની સૂચનાઓ અપાઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
સરકાર જનતાના પ્રશ્નોને દૂર કરવામાં નિષ્ફળ મનીષ દોશી
ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે રાજ્યના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બેઠક બાદ ડૉ. મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પણ જનતાના મુદ્દાઓને લઈને વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. જનતાના મુદ્દાઓ દૂર કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, તેથી ભાજપ હટાવો ગુજરાત બચાવો જરૂરી હોવાનું પણ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું.