ગાંધીનગર, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચિંતન શિબિર કરી રહ્યાં છે. જાે કે કોંગ્રેસની ચિંતનશિબિર તેમના પડકારોને લઇને છે જ્યારે ભાજપની શિબિર તેમની આગામી રણનીતિને લઇને છે. કોંગ્રેસ તેનો પંજાે ફરી મજબૂત કરવા મથી રહ્યું છે. ભાજપ તેમના વિજયરથને આગળ ધપાવવા ચિંતન કરી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિતના ૪૦ સભ્યો સાથે મળેલી બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને જન જન સુધી લઈ જવા નીર્ધાર કરાયો હતો.

કેમ્પઈન અંગે પણ ચર્ચા કરવામા આવી હતી મોંઘવારી- બેરોજગારી સહિતના મુદ્દાઓ વચ્ચે એન્ટી ઇન્કમબંસી પણ મુદ્દો છે ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ અને ચૂંટણી વ્યૂહરચના અંગે વિગતે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસ અને આપ પક્ષની સક્રિયતા અંગે ચર્ચાઓ થઈ હતી. સામાજિક આગેવાન નરેશ પટેલ જ્યાં સુધી રાજકીય ર્નિણય ના લે ત્યાં સુધી કોઈ ભાજપ હોદ્દેદારોએ તેમના વિશે ના બોલવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ભાજપ દ્વારા મંગાવેલા બોર્ડ નિગમના નામો અતર્ગત પણ બેઠકમાં વિચાર- વિમર્શ થાય તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ભાજપની બે દિવસીય ચિંતન શિબિર બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે આ શિબિરમાં સરકારી યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે ચર્ચા કરવામા આવી છે.પાર્ટીના મોરચાના ટાસ્ક નક્કી કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્વીઓ જનતા સુધી લઇ જવાશે. લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે.તેમજ વધુમાં કહ્યું કે લોકો સુધી પહોંચી શકાયે તે માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. અને સરકારી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. ચિંતન શિબિર બાદ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ૨૦૨૨ ચૂંટણી માટેની યોજનાઓ અંગે ચિંતન કર્યું, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.