ગાંધીનગર-

ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ભાનુ બેન બાબરિયા ને ટિકિટ આપવામાં આવી છે. કારણ કે, રાજકોટ મહાપાલિકામાં આ વખતે મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાનુ બાબરિયાને કોર્પોરેશનની ટિકિટ આપી છે.

 રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજે વિવિધ છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 12 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત બાબત એ છે કે, રાજકોટ મહાપાલિકામાં આ વખતે મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા પૂર્વ મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત ભાજપના પાયાના કાર્યકર એવા ચિમનભાઈ શુકલના પુત્ર કશ્યપ શુક્લની ટિકિટ કાપવામાં આવી છે. પરંતુ તેના બદલે તેના ભાઈ નેહલ શુકલને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર સંગઠનમાં હોદ્દેદાર એવા દર્શિતા શાહને ટિકિટ અપાઈ છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર નિતીન ભારદ્વાજને ટિકિટ આપવામાં આવી નથી. નિતીન ભારદ્વાજને ટિકિટ નહિ આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેમને રાજ્યસભામાં ખાલી પડેલી અભય ભારદ્વાજના સ્થાને રાજ્યસભામાં મોકલવામાં આવનાર છે.