18, માર્ચ 2021
દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ તરીકે ભાજપના શરમાબેન જયપાલભાઈ મુનિયા અને ઉપપ્રમુખ તરીકે બળવંતભાઈ સબુરભાઇ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવતા સ્વાગત દરમિયાન તાલુકા પંચાયતમાં કંઈક જુદો જ ઘાટ સર્જાયો હતો ઉપસ્થિત સમર્થકો દ્વારા પ્રમુખના સસરાને હાર તોરા પહેરાવી સ્વાગત કરતા આશ્ચર્ય સર્જાયું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ગત તારીખ ૨૮ મીના રોજ યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૨૪ બેઠકોમાંથી ૨૩ બેઠકો કબજે કરી હતી. જ્યારે ચીલાકોટા બેઠક ઉપરથી અપક્ષ જીત્યું હતું. આમ લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતિ મેળવી લીમખેડા તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદ માટે પોલીસીમલ બેઠક ઉપરથી બિનહરીફ થયેલા સરમાબેન જયપાલભાઈ મુનિયા તથા ઉપપ્રમુખ પદ માટે મોટીવાવ બેઠક ઉપરથી ચૂંટાયેલા બળવંતભાઈ સબુરભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. પ્રમુખપદે શરમાબેન જયપાલભાઈ મુનિયા તથા ઉપપ્રમુખ પદે બળવંતભાઈ સબુરભાઇ પટેલ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. તો કારોબારી ચેરમેન પદે પાણીયા બેઠક ઉપરથી બિનહરીફ થયેલા રૂપસિંહભાઇ પારુભાઈ માવી અને પક્ષના નેતા તરીકે કવિતાબેન બાબુભાઈ રાવત તેમજ દંડક તરીકે દિનેશભાઈ વીરસીંગભાઇ ડામોરની વરણી કરવામાં આવી હતી.