વડોદરા : ચાલ, ચરિત્ર અને ચહેરાની ઉક્તિથી ઓળખાતા ભાજપા પક્ષના મહિલા કોર્પોરેટરના પુત્રને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો. શહેર પોલીસે ૩૧મી રાત્રિએ બ્રેથ એનેલાઈઝર વડે પીધેલાઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ દરમિયાન મોડી રાત્રે વોર્ડ નં.૧૪ના ભાજપાના મહિલા કોર્પોરેટર જેલમ ચોકસીના પુત્રને પીધેલી હાલતમાં ઝડપી પાડતાં કોર્પોરેટર માતાએ સીટી પોલીસ મથકે ધસી જઈને સત્તાના નશામાં ભારો હોબાળો મચાવી પોલીસ કર્મચારીઓ ઉપર રોફ જમાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

મહિલા કોર્પોરેટર જેલમ ચોકસીએ દારૂ પીધેલા પુત્ર કૃણાલને છોડાવવા માટે ધમપછાડા કરી સીટી પોલીસ મથકને માથે લીધું હતું અને ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે. પુત્ર પકડાયો હોવાની જાણ થતાં ર્કોર્પોરેટર જેલમ ચોકસી અન્ય પરિવારજનો અને ટેકેદારો સાથે પોલીસ સ્ટેશન પહોંચી દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી, તે તમે બધા મારા પુત્રને ઘેરી વળ્યા છો એમ કહી તાડૂકતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

પોલીસ કર્મચારીઓ અને ભાજપના મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદારો તથા પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. એમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું જાણવા મળે છે. પોલીસ સાથેના વર્તન અંગે ભાજપાના મહિલા કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે, એમાં તેઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ સંભળાય છે. પોલીસ મથકમાં આવીને ભાજપ મહિલા કોર્પોરેટર જેલમ ચોકસીએ તેમના દીકરાને માર્યો છે, એમ કહી હાજર રહેલા પોલીસ કર્મચારીઓનો ઊધડો લીધો હતો. એ સમયે કૃણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતાં તેનો હાથ પકડતાં જેલમબેન ફરી ગુસ્સે થઈ હાથ પકડતા નહીં એમ કહી હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે દાદાગીરી કરો છો, યોગ્ય નથી. તમે કોર્પોરેટર છો, એટલે શું થઈ ગયું એમ કહેતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કૃણાલ ચોકસી સામે આખરે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં, તેને છોડાવવા માટે પણ ભાજપના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.