નડિયાદ : અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રાના પ્રતીક રૂપ યાત્રાનું આગમન શનિવારના રોજ સમી સાંજે ખેડા જિલ્લામાં થવાનું હતું. એ પહેલાં વહીવટી તંત્ર સજ્જ થઈ ચૂક્યું હતું. જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આ યાત્રા હજી બે દિવસ બાદ આવવાની છે છતાં તંત્ર દ્વારા દાંડીપથ પર સફાઈ અભિયાન આરંભી દેવાયુંં હતું. નવાઈની વાત તો એ છે કે, આ માર્ગ પર દાંડીપથ દર્શાવતા બોર્ડ રાતોરાત લગાવી દેવામાં આવ્યા હતાં!

ખેડા જિલ્લામાંથી પસાર થતાં દાંડીમાર્ગ પર રાતોરાત સાફસફાઈ અભિયાનનો આરંભ કરાવાયો હતો, જે જાેઈ શકાતું હતું. પૂ. મહાત્મા ગાંધી પોતે સ્વચ્છતાના ખુબ જ આગ્રહી હતા. અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાના પ્રતીક રૂપ યાત્રા તા.૧૨ માર્ચને શુક્રવારે નીકળી હતી. આ યાત્રાનું શનિવારે સમી સાંજે ખેડા જિલ્લામાં આગમન થયું હતું. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ આ સંદર્ભની તમામ તૈયારીઓ આટોપી લીધી હતી. જાેકે, નડિયાદ પાલિકા દ્વારા શનિવારે સફાઈ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી દાંડીપથ પર સાફસફાઈ અભિયાન યુદ્ધના ધોરણે આરંભી દેવાયું હતું. ખાસ કરીને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પરથી મિશન રોડ અને આગળ નગરપાલિકા દ્વારા દાંડીમાર્ગની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત ડભાણ રોડ પર ટ્રેક્ટર મારફતે માર્ગ પર ઉડીને આવેલી ધૂળ તેમજ ઝાડીઝાંખરાને ઊભાં ઊભાં દૂર કરાયાં હતાં. આ માર્ગ પર દાંડીપથ દર્શાવતાં બોર્ડ પણ રાતોરાત ગોઠવાઈ જતાં સ્થાનિકોમાં અચરજ વ્યાપ્યું હતું. આટલું ઓછું હોય તેમ નડિયાદ શહેરમાંથી પસાર થનાર યાત્રા સંદર્ભે નડિયાદ પોલીસે ખાસ ફૂટપેટ્રોલિંગ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રસ્તા અંગેની રૂપરેખા મેળવી દાંડીપથનું નિરીક્ષણ કર્યું હતું.