શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ૮૦ અર્બન હેલ્થ સેન્ટરો પરથી બુસ્ટર ડોઝ અપાશે
11, જાન્યુઆરી 2022

અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસ વધતા ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેક્સિન આપવામાં આવી હતી.હવે ઉંમરલાયક લોકો કોરોનાથી સંક્રમિત ના થાય તે માટે આજથી ૨ ડોઝ લીધા હોય તેમને ત્રીજાે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. હેલ્થ વર્કર,તબીબો અને સિનિયર સિટીઝનને આજથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના મેડિકલ,પેરામેડિકલ સ્ટાફને આજથી વેક્સિનનો ત્રીજાે ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને વેક્સિન લેનાર ફ્રન્ટ લાઈન વોરિયર્સને નિમિષાબેન સુથાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. હાલમાં વેક્સિનનો જથ્થો પૂરતો છે.અત્યારે ૬ લાખ જેટલો વેક્સિનનો જથ્થો છે અને આજે કેન્દ્રમાંથી પણ વેક્સિનનો જથ્થો ગુજરાતને મળવાનો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અઢી લાખથી વધુ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર છે. શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૨૦ સરકારી હોસ્પિટલ પરથી બુસ્ટર ડોઝ અપાશે. સોમવારે પ્રથમ દિવસે ૨૦ હજાર બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ રાખ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે અંદાજે ૩ લાખ બુસ્ટર ડોઝ છે. અમદાવાદ જિલ્લામાં ૯૮૮૨ ફ્રન્ટલાઇન વર્કર અને ૫૮૯૪ હેલ્થ લાઇન વર્કર મળી અંદાજે ૧૫,૭૭૬ લોકો બુસ્ટર ડોઝ માટે સક્ષમ છે. તમામને અગાઉ તેમણે જે રસી લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ અપાશે. આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારથી ડોકટર, પેરામેડિકલ સીનીયર સીટીઝન જેઓએ વેકસીનના બે ડોઝ લઈ લીધા છે તેઓ આજે પ્રિકોશન ડોઝ લેવા માટે આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution