આણંદ : આણંદ શહેરની બોરસદ ચોકડીએ શુક્રવારે મોડી સાંજના અકસ્માત કર્યો હોવાનું ખોટુ બહાનું કરીને કારના ડ્રાયવર અને કારમાં બેઠેલાં શેઠ સાથે બોલાચાલી કરીને ચાર ઈસમોએ ૧૦ લાખની ચીલઝડપ કરી હતી. આ ઈસમોમાં એક મહિલા પણ સામેલ હતી. ચીલઝડપની ખબરથી ચકચાર મચી ગઈ હતી. આ અંગે શહેર પોલીસે મોડીરાત્રે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર, આણંદના બાકરોલ રોડ ઉપર આવેલાં આસ્થા આંગન ખાતે રહેતાં યુવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ રાજ તમાકુના વેપારી જયેશભાઈ પટેલને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. દશેક દિવસ પહેલાં પાદરા તાલુકાના એકલબારા ખાતે રહેતાં તેમનાં સાળા ધર્મેન્દ્રસિંહે અંધારીયા ચોકડીએ યુવરાજસિંહને બોલાવ્યાં હતાં. પોતાની પાસેના દસ લાખ રૂપિયા આપીને પોતાના ઘરે રાખવાનું અને થોડા દિવસો બાદ લઈ જવાનું જણાવ્યું હતું. દરમિયાન યુવરાજસિંહના સસરાની તબિયત લથડતાં યુવરાજસિંહની પત્ની અને બાળકો સાસરે એકલબારા ખાતે જ રહેતા હતા. ગઈકાલે પત્ની હેતલબેને પતિ યુવરાજસિંહને ફોન કરીને ધર્મેન્દ્રસિંહે આપેલા દસ લાખ રૂપિયા આપી જવાનું કહેતાં જ યુવરાજસિંહ એક થેલીમાં દસ લાખ મૂકીને શેઠ જયેશભાઈના ઘરે આવ્યા હતા. હોન્ડા સિટી ગાડી નંબર જીજે-૨૩, બીડી-૪૬૮૯ની ડ્રાયવર સીટની પાછળ મૂકી દીધી હતી. જયેશભાઈને કારમાં બેસાડીને બોરસદ જઈ રહ્યાં હતાં તે વખતે બારદાનનું કામ હોવાથી ગામડીવડ ગયાં હતાં. ત્યાંથી પરત જતી વખતે યુવરાજસિંહે પોતાના શેઠ જયેશભાઈને સાળાને દસ લાખ રૂપિયા આપવા માટે એકલબારા જવાનું હોવાથી બે કલાક માટે કાર આપવાની વાત કરી હતી.

ડ્રાયવરની સીટ નીચે મૂકેલી દસ લાખની થેલી બતાવી હતી અને ત્યારબાદ તે થેલીને પાછલી સીટની નીચે મૂકી દીધી હતી. ચારેક વાગ્યાના સુમારે બોરસદ ચોકડી વટાવીને જિટોડિયા રોડ ઉપર આવેલાં પટેલ એન્ડ પટેલ ગેસકિટ કંપની સામેથી પસાર થતાં હતાં ત્યારે પાછળથી એક મેસ્ટ્રો બાઈક ઉપર ૩૫ વર્ષનો ઈસમ આવી ચઢ્યો હતો. કારને આંતરીને ઊભી રખાવી હતી અને બાઈકને અકસ્માત કરીને ક્યાં જાવ છો? તેમ જણાવીને ઝઘડો શરૂ કર્યો હતો. યુવરાજસિંહ નીચે ઊતરીને પાછળ જતા ત્યાં ૪૦ વર્ષની એક મહિલા મહિલા બેઠી હતી. તેણે હિન્દી ભાષામાં વાત કરતાં અકસ્માત કર્યો છે, દવાખાને લઈ જાવ તેમ કહેતાં જ નજીકના દવાખાને લઈ જવાની વાત કરી હતી. જાેકે, દવાખાનું બંધ હતંુ. દરમિયાન બાઈક પર સવાર થઈને મહિલા દવાખાને જવું નથી, તેમ જણાવીને ત્યાંથી નીકળી ગયાં હતાં.

બીજી તરફ મેસ્ટ્રોના ચાલકે શેઠ જયેશભાઈ સાથે બોલાચાલી કરી હતી. એ દરમિયાન ૪૦થી ૪૫ વર્ષનો એક શખસ આવી ચઢ્યો હતો. તેણે કારનો દરવાજાે ખોલીને અંદરથી ૧૦ લાખની થેલી આંચકીને મેસ્ટ્રો બાઈક પર સવાર થઈને જિટોડિયા રોડ તરફ ભાગી ગયા હતા.

હેબતાઈ ગયેલાં જયેશભાઈ કાર ચાલુ કરીને યુવરાજસિંહ તરફ આવ્યા હતા અને દસ લાખની થેલી ચોરીને મેસ્ટ્રો ઉપર બે શખસો ભાગ્યાં હોવાનું જણાવતાં જ તેમનો પીછો કર્યો હતો, પરંતુ કોઈ મળ્યું ન હતંુ, જેથી આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.