ભાજપ અને આમ આદમી પાર્ટી બંને એકના એક છેઃ રઘુ શર્મા
26, એપ્રીલ 2022

રાજકોટ, વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જાેરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટમાં જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં શહેર અને જિલ્લામાં લોકોના પ્રશ્નો તેમજ સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે,વિધાનસભામાં કોંગ્રેસ ૧૨૫ બેઠક હાંસલ કરશે. આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે રાજકોટના જ મુખ્યમંત્રી સતા પર હતા છતાં રાજકોટમાં આજે આટલા પ્રશ્નો અને સમસ્યા છે તે દુઃખની વાત છે. લોકોના પ્રશ્નો અને સમસ્યા જાણી તેનો ચૂંટણી ઢંઢેરામાં સમાવાશે. શૌચાલયની વાત તો દૂર રહી પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું. ગામડામાં પૂરું પાણી નથી મળતું અને જે મળે છે તે પ્રદૂષિત પાણી છે. એ જ પ્રદૂષિત પાણી નદીઓમાં ઠલવાય છે. અને શહેરોને એવું ગંદુ પાણી મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારી સરકાર ભાજપને ટક્કર આપશે અને હાલ પ્રજા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેનું અમે નિરાકરણ કરશું. હાલ કેટલી સમસ્યા છે અને તેના ઉપાયો શું હોઈ શકે તેનું અમે મેનીફેસ્ટો તૈયાર કર્યું છે. આ મેનીફેસ્ટો જ અમારું ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, આજની ચિંતન શિબિરમાં ધારાસભ્ય પરેશ ધાનાણી, ઋત્વિજ મકવાણા, સ્ન્છ લલિત વસોયા તેમજ મહામંત્રી ભીખાભાઇ વારોતરિયા ઉપસ્થિતિ રહ્યા હતા.

કાળા માસ્ક પહેરીને વિરોધ કરે એ પહેલાં જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી

રાજકોટ, જીજ્ઞેશ મેવાણીની ધરપકડને લઇને રાજકોટ કોંગ્રેસ આજે આક્રમક બની હતી..ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના મામલે રાજકોટ કોંગ્રેસે આજે વિરોધ કર્યો હતો. કાળા માસ્ક પહેરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીએ મૌન ધરણાના કાર્યક્રમ યોજવાના હતા. પરંતુ આ કાર્યક્રમ યોજે એ પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસે ૧૫થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ કાયદાનો દુરુપયોગ કર્યો હોવાથી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. આવી જ કાનૂની જાેગવાઈનો દુરુપયોગ કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજયની યાદ તાજી કરી છે. આ વિરોધ તેની સામે છે.પોલીસ દ્વારા જ્યારે અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની એક બાક એક ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. થોડીવાર માટે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ગરમાગરમીનો માહોલ જાેવા મળ્યો હતો. તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ‘નહીં ચલેગી નહીં ચલેગી દાદાગીરી નહીં ચલેગી’, ‘સંવિધાન બચાવો દેશ બચાવો’ના સુત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસના કાર્યકરોએ ‘ન્યાય અપાવો ન્યાય અપાવો જીજ્ઞેશભાઈને ન્યાય અપાવો’ના પણ સુત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલા આગેવાનો પણ જાેડાઇ હતી. ચાર દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution