છોટાઉદેપુર : આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને તાલિબાની સજા આપતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામનો આવો જ એક વીડિયો વાઇરલ થયો છે. આ ગામનાં યુવક-યુવતીને પ્રેમસંબંધ હતો, પરંતુ પરિવારોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈને બન્ને પરિવારોએ ભેગા થઈને યુવક-યુવતીને સરગવાના વૃક્ષ સાથે દોરડા વડે બાંધીને તાડના લાકડાથી બેરહેમીથી માર માર્યો હતો. યુવક-યુવતીને મારતી વખતે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. એક સમયે યુવતી મારથી થાકીને નીચે પડી ગઈ હતી, એમ છતાં ક્રૂર લોકો તેને ફરીથી ઊભી કરીને બાંધી દીધી હતી. વીડિયો વાઇરલ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને આવું કૃત્ય કરવાવાળા ૯ લોકો સામે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી હતી આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે ફરિયાદને આધારે ૯ વ્યક્તિ દિતલીયા ભાઈ અમદાભાઈ ધાણુંક, ગોરધનભાઇ થાવરીયાભાઈ ધાણુંક, રાજુભાઇ ગોહાયડાભાઈ રાઠવા, રેશ્માભાઈ પારસિંગભાઇ ધાણુંક, ગુમાનભાઈ અનુડીયાભાઈ ધાણુંક, રેવજીભાઇ અનુડીયા ધાણુંક, રાળીયાભાઈ નાયકા ધાણુંક, કળિયાભાઈ નાયકા ધાણુંક, અરવિંદભાઈ ઉર્ફે (હરલાભાઈ ધનાભાઈ ધાણુંક, ની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આદિવાસી પંથકમાં આવી તાલિબાની સજાઓ અપાય છેઆદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે મા બાપની મરજી વિરુદ્ધ જાે કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી એનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જાે આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતા હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ ભાગી ગયેલાં યુવક-યુવતીઓને સજા થયેલી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામમાં એક મહિના પહેલાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હતી. યુવતીનાં પરિવારજનો દ્વારા પ્રેમ યુગલને વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ૨૪ મે-૨૦૨૦ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બિલવાંટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. એ તેનાં પરિવારજનોને પસંદ નહીં પડતાં સગીરાને ૧૫ જેટલા લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી તેને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતો વીડિયો બહાર આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.