વડોદરા, તા.૧૦

વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત વડોદરાના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ.૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા.

આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની શક્યતા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.તેમણે કહ્યું હતંુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે.

વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ થકી છેવાડાના નાનામાં કારીગરોને પ્રોત્સાહન મળે છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રમોટ કરવામાં ફાયદો થશે, તેમ કહેતા વધુમાં કહ્યુ હતુ કે, વડોદરા જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રણી રહ્યો છે અને અહીંના ઉદ્યોગપતિઓ અન્યને માર્ગદર્શન પૂરૂ પાડે એવું વિઝન ધરાવે છે.

તેમણે એમપણ કહ્યું હતંુ કે, માઇક્રોન, ટાટા એરબસ જેવી કંપનીનું ગુજરાતમાં રોકાણ આવ્યું છે અને તેનાથી અનેક લોકોને રોજગાર મળશે. એક સમયે ગુજરાતમાં રોડ પણ સારા નહોતા, તે ગુજરાતમાં આજે સી-૨૯૫ જેટલા ડિફેન્સ સેક્ટરના પ્લેન બની રહ્યા છે, આવું કોઇએ વિચાર્યું પણ નહીં હોય !

સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પ્રેરણાદાયી રહ્યો છે. વડોદરા શહેર મોટા ઉદ્યોગો જેમકે પેટ્રોકેમીકલ ફાર્મા ઓટોમોટિવ, સાયન્સ અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને અન્ય માધ્યમિક અને ઉચ્ચ પ્રાદ્યોગિક ઉદ્યોગોનું ઘર છે તથા એમએસએમઇ ઉદ્યોગ માટે ઘણી બધી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણા ખાનગી ઔદ્યોગિક પાર્ક વિકસી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ વડોદરા સાથે વિવિધ ટેકનિકલ સેશન્સ પણ યોજાયા હતા. જેમાં નિકાસ, નાણાકીય વ્યવસ્થાપન સહિતની બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમમાં માર્ગો, માળખાકીય સુવિધા, વીજળી, લેન્ડ, પરિવહન, પર્યાવરણલક્ષી વિકાસ સહિતના મુદ્દાઓ ઉપર ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઇ, ચૈતન્યસિંહ ઝાલા, સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

૧૯માંથી ૧૫ એમઓયુ પાલિકાના બિલ્ડરોના!

વડોદરા ખાતે ગુજરાતના ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં નગરના પંડિત દીનદયાકળ નગર ગૃહ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના સમારોહમાં વાઈબ્રન્ટમાં વાઇબ્રન્ટ માઈન્ડ એપ્લાય કરવામાં આવ્યું છે.જેમાં કરવામાં આવેલ અંદાજે રૂપિયા ૫૩૫૯ કરોડના ૧૯ એમઓયુમાંથી ૧૫ એમઓયુ તો પાલિકાના બિલ્ડરોના કરવામાં આવ્યા છે.જેનું મૂલ્ય અંદાજે રૂપિયા ૬૦૦ કરોડ જેટલું થવા જાય છે. જયારે અન્ય ૪૫૦૦ કરોડના એમઓયુ બાકીના ૪ મહાકાય ઉદ્યોગો વચ્ચે થયા છે. જે પ્રોજેક્ટોનું પુનરાવર્તન થયાનું શહેરીજનોમાં ચર્ચાય છે.

વડોદરાના રાસાયણિક-ઔષધ અને ઇજનેરી ઉદ્યોગોનો દબદબો

વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે એમઓયુ કરવામાં આવ્યા છે. એની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. રૂ.૫૩૫૯ કરોડના ૧૯ એમઓયુમાંથી પાલિકાએ પોતાના ૧૫ બિલ્ડરોના અંદાજે ૬૦૦ કરોડના એમઓયુ જાહેર કરી દેતા રહસ્ય પરથી પડદો ઊંચકાઈ ગયો હતા, જેમાં માત્ર ચાર અન્ય એમઓયુ થયા હોવાનું પાલિકાની યાદીના ૧૫ એમઓયુંને બાદ કરતા સ્પષ્ટ થાય છે. એટલે ઉદ્યોગોના માત્ર ચાર એમઓયુ અંદાજે રૂપિયા ૪૫૦૦ કરોડના થયા છે.