ભરૂચ, ભરૂચમાં ચાલી રહેલી કોરોના વેકસીનની કામગીરી વેળા વેકસીનનો જથ્થો અને સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોને ધકકો ખાવો પડતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. . કોરોનાકાળમાં પણ આ મુદ્દો વેકસીન સેન્ટરોને લઈને ઉઠ્‌યો છે. આ બાબતોને લઈ આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના નગરસેવકોએ સવાલોનો મારો ચલાવતાં અકળાયેલા આરોગ્ય અધિકારી પોતાની ખુરશીને લાત મારી ચેમ્બરની બહાર ચાલ્યા ગયા હોવાની ઘટના સોમવારના રોજ બની હતી.શહેરના અમુક વિસ્તારોમાં વેકસીનેશન સેન્ટર ઓછા હોવાની તથા સેન્ટર પર વેકસીન ઓછા આવતાં હોવાથી લોકોને ધકકા પડી રહયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ફરિયાદના સંદર્ભમાં સોમવારના રોજ કોંગ્રેસના નગરસેવકો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, શમશાદઅલી સૈયદ તથા અન્ય આગેવાનો નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયાં હતાં. જિલ્લાના આરોગ્ય અધિકારીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે શહેરમાં કેટલા વેકસીનેશન સેન્ટર ચાલી રહયાં છે સહિતના સવાલોનો જવાબ માંગતા અધિકારી ઉશ્કેરાઇ ગયાં હતાં અને પોતાની ખુરશીને ધકકો મારી ચેમ્બરની બહાર ચાલ્યાં ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે. સીડીએમઓ ડો. દુલેરા એ જણાવ્યું હતું કે તેઓ વેકસીન સેન્ટરોને લઈ રજુઆત કરવા આવ્યા હતા. અમુક વિસ્તારમાં જ સેન્ટરો છે તો અમારા વિસ્તારમાં સેન્ટર નથી, મેં કહ્યું અત્યારે સરકાર તરફથી આટલા સેન્ટર છે, વધુ મળશે તો તમારા વિસ્તારમાં પણ રાખીશું. જે બાદ લિસ્ટ માંગતા મેં લિસ્ટ આપ્યું, ત્યારે કહ્યું આ પાટીદારની વાડી કઈ જગ્યાએ આવી, મેં કહ્યું મને ખબર નથી. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું જિલ્લાના આરોગ્ય અધિકારીને ખબર નથી, તેમ કહી મને ઉશ્કેરવાનો અને મારી જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.